કઝાકિસ્તાનના અક્તો શહેર પાસે એક મોટી દુર્ઘટના ઘટી જ્યાં એક યાત્રી વિમાન ક્રેશ થયું છે. એવું કહેવાય છે કે આ વિમાનમાં ૬૦થી વધુ લોકો સવાર હતા. પ્રાથમિક રિપોર્ટ્‌સથી જાણવા મળે છે કે તેમાં કેટલાક લોકો જીવતા બચ્યા છે. મંત્રાલયે કહ્યું કે ઈમરજન્સી સર્વિસીસ દુર્ઘટનાસ્થળે આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. વિમાન ક્રેશ થયાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે
કે વિમાન ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે અને ગણતરીની પળોમાં અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડાકાનો અવાજ આવે છે. ત્યારબાદ આગ અને ધૂમાડાના ગોટા હવામાં જોવા મળી રહ્યા છે.
રશિયન સમાચાર એજન્સીએ કહ્યું કે વિમાનનું સંચાલન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા થઈ રહ્યું હતું અને આ પ્લેન રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની માટે ઉડાણ ભરી રહ્યું હતું. પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો માર્ગ બદલવામાં આવ્યો. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે તરત કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે રશિયન મીડિયાનું કહેવું છે કે વિમાનમાં ૬૨ લોકો સવાર હતા.
અકસ્માતમાં કેટલું નુકસાન થયું છે કે પછી અકસ્માત કયા કારણોસર થયો તે અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ છઁ ના રિપોર્ટ મુજબ કઝાકિસ્તાન ઈમરજન્સી મંત્રાલયે જણાવ્યું કે ૪૨ લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક લોકો આ અકસ્માતમાં બચી ગયા છે.