કરાચીમાં એક ખાનગી સુરક્ષા ગાર્ડે નજીવા ઝઘડા બાદ બે ચીની નાગરિકોને ગોળી મારી દીધી હતી. જેના કારણે બંને વિદેશી નાગરિકો ઘાયલ થયા હતા. બંને નાગરિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક ચીની નાગરિકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. સિંધ પ્રાંતના ઈન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પાકિસ્તાન પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
પાકિસ્તાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક અઝહર મહેસરે કહ્યું કે આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓએ ચીનના નાગરિકો પર શા માટે ગોળીબાર કર્યો તે કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના બાદ સિંધ પ્રાંતના ગૃહ મંત્રાલયે સતર્કતા દર્શાવી હતી. ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે સુરક્ષાકર્મીઓને તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપી હતી. તેમજ દક્ષિણ ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ચીન અને અન્ય વિદેશીઓને સુરક્ષા પૂરી પાડતી કંપનીઓનું ઓડિટ થવું જાઈએ. ઉપરાંત, ઓડિટ રિપોર્ટ સમીક્ષા માટે મોકલવો જાઈએ. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષા કર્મચારીઓનું શારીરિક અને માનસિક પરીક્ષણ થવું જાઈએ. તેમજ અનરજિસ્ટર્ડ અને ગેરકાયદેસર સિક્યોરિટી કંપનીઓ સામે કાર્યવાહી થવી જાઈએ.
કરાચીમાં એક વર્ષમાં ત્રીજી વખત વિદેશીઓ પર હુમલો થયો છે. ઓક્ટોબરમાં કાસિમ પોર્ટ વિસ્તારમાં કામ કરતા ચીની એન્જીનિયરો કરાચી એરપોર્ટ નજીક હુમલામાં માર્યા ગયા હતા. આ પહેલા એપ્રિલમાં લાંઢી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા પાંચ જાપાની નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલા નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર ચીની નાગરિકોને સુરક્ષા આપવા માટે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે સેંકડો ચીની કર્મચારીઓ પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓમાં ચીનના એન્જીનિયરો પણ સામેલ છે.સીપીઇસી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જાડે છે. તે ચીનની મહત્વાકાંક્ષી બિલિયન-ડોલર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો મુખ્ય પ્રોજેક્ટ છે.