કુંકાવાવ વડીયાના નાજાપુર ગામની એક યુવતીના લગ્ન ગામના જ યુવક સાથે થયા હતા. પરંતુ મહેંદીનો રંગ ઉતરે તે પહેલા જ સાસરિયાએ સિતમ ગુજારવાનું શરૂ કરી દીધું હતું અને પતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શ્રદ્ધાબેન તુષારભાઈ દાફડા (ઉ.વ.૨૩)એ હાલ રાજકોટ શાપરમાં રહેતા તેમના જ ગામના પતિ તુષારભાઇ પરશોતમભાઇ દાફડા, સાસુ કંચનબેન પરશોતમભાઇ દાફડા, સસરા પરશોતમભાઇ ચકાભાઇ દાફડા તથા દિયર હર્ષદભાઇ પરશોતમભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ તેમને લગ્ન સમય તા.૦૪/૦૩/૨૪ થી તા.૨૧/૦૭/૨૪ દરમિયાન નાની-નાની બાબતોમાં અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ કરીયાવરમાં કોઇ ચીજવસ્તુ લાવેલી નથી તેમ કહી મેણા-ટોણા મારી ગાળો આપી ઢીકાપાટુનો મુઢમાર મારી શારીરિક માનસિક દુઃખત્રાસ આપ્યો હતો.
પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સાસુ-સસરા તથા દિયરે તેમની વિરૂધ્ધ ચડામણી કરી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અસ.એમ કથીરી વધુ તપાસ કરી રહ્યા છે.