ચીનમાં ફેલાતા નવા માનવ મેટાપ્યુમોવાયરસે ભારતમાં દસ્તક આપી છે. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ એચએમપીવી સંક્રમણનો કેસ નોંધાયો છે. નાગપુરમાં બે શંકાસ્પદ એચએમપીવી દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. તેમની ઉંમર સાત અને ૧૩ વર્ષની હોવાનું કહેવાય છે.
આરોગ્ય નાયબ નિયામક શશિકાંત શંભારકરે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓને સારવાર આપી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હવે આ બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે નાગપુરના એઈમ્સ મોકલવામાં આવ્યા છે.
ભારતમાં પહેલાથી જ ત્રણ એચએમપીવી કેસ મળી આવ્યા છે. જેમાંથી બે કેસ બેંગ્લોરમાંથી અને એક કેસ અમદાવાદમાં નોંધાયો છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય તમિલનાડુમાં પણ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, દેશભરમાં શ્વસન સંબંધી રોગો પર દેખરેખ રાખવા માટે ચાલી રહેલા સર્વેલન્સ પ્રયાસોના ભાગરૂપે આ કેસો મળી આવ્યા હતા.
આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને પાડોશી દેશોમાં વાયરસની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ, તમામ પગલાં લઈ રહ્યા છીએ, અમે તમામ પાસાઓ પર નજર રાખી રહ્યા છીએ. આ કોઈ નવો વાયરસ નથી, વાયરસની ઓળખ ૨૦૦૧માં જ થઈ હતી.
સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ નિષ્ણાતોને ટાંકીને સ્પષ્ટતા કરી કે એચએમપીવી ઘણા વર્ષોથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તે શ્વાસ દ્વારા, હવા દ્વારા ફેલાય છે. તે તમામ વય જૂથના લોકોને અસર કરી શકે છે. આ વાયરસ શિયાળાના શરૂઆતના મહિનાઓ અને ઋતુ પરિવર્તનમાં વધુ ફેલાય છે. ચીનમાં એચએમપીવી કેસના તાજેતરના અહેવાલો અનુસાર, આરોગ્ય મંત્રાલય આઇસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ચીન તેમજ પડોશી દેશોની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
દેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ મોડ પર છે. રાજ્યોને આ અંગે સતત દેખરેખ અને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.આરોગ્ય સચિવે તમામ રાજ્ય સરકારોને એચએમપીવીને રોકવા માટેના પગલાં અંગે લોકોને સંવેદનશીલ બનાવવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ) અથવા ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (એસએઆરઆઈ) ના કેસોની સમીક્ષા કરવા જણાવ્યું હતું. બેઠકમાં રાજ્યોને લોકોને વાયરસથી બચવા અંગે જાગૃત કરવા માટે સલાહ આપવામાં આવી છે. લોકોને સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાનું પણ કહો. ધોયા વગરના હાથ વડે આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો. બીમાર લોકો સાથે ગાઢ સંપર્ક ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકો. સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ‘સ્થિતિની સમીક્ષા કરવા માટે ૪ જાન્યુઆરીના રોજ ડાયરેક્ટર જનરલ આૅફ હેલ્થ સર્વિસિસની અધ્યક્ષતામાં સંયુક્ત મોનિટરિંગ જૂથની બેઠક યોજાઈ હતી. દેશની આરોગ્ય પ્રણાલીઓ અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક છે, તે સુનિશ્ચિત કરે છે કે દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તૈયાર છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.