અમરેલીમાં ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ અને લાઠીના રાજવી કલાપીની જન્મજયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ‘સંવાદ’ સંસ્થા દ્વારા આયોજિત ‘કરે સંગત કલાપી’ કાર્યક્રમમાં કાવ્યસંગીત, કાવ્યપાઠ અને સાહિત્યિક સંવાદનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સુપ્રસિદ્ધ સંગીતકાર સંજીવ ધારૈયાના સંગીત સંયોજનમાં પ્રખ્યાત ગાયિકા સોનલ જોષીએ પ્રાર્થનાગાનથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ સંજીવ ધારૈયા, સોનલ જોષી અને મનોજ ઠાકરે કલાપીની રચનાઓને સ્વરબદ્ધ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. યુવા કવિ અગન રાજ્યગુરુએ તેમની આગવી શૈલીમાં ગઝલ પઠન કર્યું હતું. સાહિત્યમર્મી ગોપાલ ધકાણે પરંપરાગત અને આધુનિક ગઝલ વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું. સુપ્રસિદ્ધ સાહિત્યકારો કાલિન્દી પરીખ અને વાસુદેવ સોઢાએ કલાપીના જીવન કવન વિશે નવીન દૃષ્ટિકોણ રજૂ કર્યો. કાર્યક્રમમાં અમરેલી પંથકના દિવંગત સાહિત્યકારો હર્ષદ ચંદારાણા, ડા. પ્રતાપભાઈ પંડ્યા અને ગણપતભાઈ ઉપાધ્યાયને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. શીલાબેન પી. મહેતાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશ મહેતાએ કર્યું હતું.