બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,
સાવ ખાલી હું અહીં થાતો રહ્યો.
– સ્નેહલ જોષી
બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે. કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે. વળી, કવિ સાવ ખાલી થયા પછી પણ જીવતા છે કારણ કે જીવતા છે એટલે જ તેઓ આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તેથી સમગ્ર કૌભાંડ ગંભીર તપાસનો વિષય બની રહે છે. જોકે થોડીક અધૂરી તપાસ કરી ચૂકેલ એક કાવ્ય અધિકારીએ એવો રિપોર્ટ રજૂ કર્યો છે કે આ સ્ટેટમેન્ટમાં બાટલો સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં લઈ શકાય તેમ છે પરંતુ કવિ પોતે જે પ્રકારે અંદરથી સાવે સાવ ખાલી થઈ ગયા છે તે સ્ટેટમેન્ટને સુક્ષ્મ અર્થમાં લેવાવું જોઈએ તેમ તપાસ અધિકારી માને છે. તેઓ સમજાવે છે કે કવિ સાથે કશુંક એવું હોનારત થયું છે કે તેમનું દિલ અથવા તો દિમાગ અથવા તો વિચારવા માટેના જે કોઈ સાધનો શરીર કે મનમાં ઉપલબ્ધ હોય તે તમામ ખાલી થઈ ગયા છે. જોકે આ તપાસ અધિકારીને સાવ ખાલી ગણીને તેમની પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. કારણ કે જો કવિ સૂક્ષ્મ અર્થમાં સાવ ખાલી થઈ ગયા હોય તો આટલી વિત્તવાન કવિતા કેવી રીતે લખી શકે? – એવો સવાલ આ કાવ્ય તપાસ અધિકારી સામે ઉપસ્થિત થયો હતો.
કવિ સ્નેહલ જોશી સામેની આ તપાસ ખુદ સ્નેહલ જોશીને જ સોંપવાનો વિચાર થઈ રહ્યો હતો ત્યારે જ એક સૂચન એવું આવ્યું કે આ તપાસ કોઈ એક કાવ્ય તપાસ અધિકારીને સોંપવાને બદલે બે અધિકારીઓની ટીમ બનાવવામાં આવે તો તપાસ બહેતર થઈ શકે. આ સૂચનના પગલે બે કાવ્ય તપાસ અધિકારીઓની ટીમ તપાસ માટે બેસાડવામાં આવી પરંતુ તે બંનેને ત્રીજે દિવસે ડિસ્મિસ્ડ કરવામાં આવ્યા. કારણ કે…
બંને કાવ્ય તપાસ અધિકારીઓના પોતપોતાના મત જ એકબીજાથી ભિન્ન હતા અને પોત પોતાના મતને પ્રતિપાદિત કરવા માટે બંને કાવ્ય તપાસ અધિકારીઓ પોએટ્રી ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની ઓફિસમાં જ એકબીજા સામે બથોબથ આવી ગયા હતા. પરિણામે કાવ્ય કમિશનરના હુકમથી બંનેને ડિસ્મિસ્ડ કરી દેવાયા હતા.
બંને કાવ્ય તપાસ અધિકારીઓ પોતપોતાના મતને જ સાચો ગણાવીને તેને પ્રતિપાદિત કરવા માટે ઓફિસમાં જ “બથોબથ વિધિ” ઉપર શા માટે ઉતરી આવ્યા હતા તે અંગે કાવ્ય કમિશનરે એક તપાસ પંચ નિમ્યું હતું. ત્યારે તપાસ પંચે એવો રિપોર્ટ રજૂ કર્યો કે…
એક કાવ્ય તપાસ અધિકારીના મતે ગેસનો બાટલો કવિના ઘરના પગથિયે ડિલિવરી બોય દ્વારા ધ(સ્ટેપ બાય સ્ટેપ ઉપરના પગથિયાં તરફ ઉપર) ચડી રહ્યો હતો ત્યારે ગેસ એજન્સીએ ગેસનો એ બાટલો સાત દિવસ મોડો પહોંચાડ્‌યો હોવાથી કવિ પોતે “ધીરજ” નામના તત્વથી ખાલી થઈ ગયા હતા (અને સમગ્ર ફરિયાદ ગેસ એજન્સીના મેનેજરને કરવાને બદલે તેમણે ડીલીવરી બોયને જ ઓન ધ સ્પોટ ખખડાવી નાખ્યો હતો, જે વાત આ શેરમાં કવિ સ્નેહલ જોશીએ અધ્યાહાર રાખી છે).
જ્યારે બીજા કાવ્ય તપાસ અધિકારીનો મત એવો હતો કે… કવિ ગુજરાતી હોવાથી અને વળી ગુજરાતમાં રહેતા હોવાથી પોતે બાટલો એટલી બધી મોંઘી કિંમતે લાવ્યા હતા કે એટલી કિંમતમાં તો દીવ કે દમણમાં આવા ૧૦ બાટલા આવી જાય. પરિણામે કવિ પેગ ઉપર પેગ ભરીને બાટલો પોતાના શરીરમાં ચડાવવાને બદલે ટીપે ટીપે મુખ માર્ગે મગજ ઉપર ચડાવતા રહ્યા હતા. આમ ગ્લાસમાં વ્યવસ્થિત પેગ ભરીને પીવાને બદલે બાટલાની મોંઘવારીને ધ્યાનમાં લઈને કવિ ટીપે ટીપે પી રહ્યા હોવાથી તેમને ચડવો જોઈએ એટલો ચડ્‌યો નહોતો અથવા તો વધારે પડતો જ ચડી ગયો હતો અને તેથી કવિના દિમાગમાં અને ખિસ્સામાં એક શૂન્યવકાશ સર્જાયો હતો. તેથી કવિ કહે છે કે સાવ ખાલી હું અહીં થાતો રહ્યો… ( કવિ ગુજરાતી છે અને ગુજરાતમાં રહે છે તેથી તેમણે આ સમગ્ર કાંડ ક્યાં થયો છે તે સ્થળનો સ્પષ્ટ અને ઓફિશિયલ ઉલ્લેખ કરવાને બદલે તેમણે માત્ર સ્થળ વાચક સર્વનામ “અહીં” શબ્દનો ઉપયોગ પોલીસને ભ્રમિત કરવા માટે તથા પ્રોહિબિશન એક્ટના વધુ અભ્યાસથી બચવા માટે કર્યો છે.)
બંનેના પોએટીક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અને પોએટ્રી ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની ઓફિસમાં થયેલ મારામારીને ધ્યાનમાં લઈને સરકારના ગુજરાત કાવ્ય કમિશનરે બંને કાવ્ય તપાસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. અત્યારે બંને કાવ્ય તપાસ અધિકારીઓ પોરબંદરમાં જઈને કવિ સ્નેહલ જોશીના કાવ્ય ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે. (બીજું કાંઈ કરી રહ્યા નથી કારણ કે પોરબંદરમાં છે.) તેથી આ કાવ્ય કૌભાંડ ગુજરાત સરકારના પોએટ્રી ડિપાર્ટમેન્ટ માટે એક ગંભીર તપાસનો વિષય બની રહે છે.
અસ્તુ…