બનાસકાંઠાના કાંકરેજનાં ઉંબરી ગામમાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા સહિત ૨ બાળકોના વીજકરંટથી મોત થતાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફૂવારાનાં કારણે વીજ પ્રવાહ ફેલાઈ જતાં ત્રણેયનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી કાર્યવાહી શરૂ કરી છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ઉંબરી ગામમાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી એક મહિલા અને બે બાળકોના મોતને કારણે હોબાળો મચી ગયો હતો. ખેતરમાં ભારે વીજ તારમાંથી વીજ કરંટ લાગ્યો હતો. ખેતરમાં ચાલતા ફુવારાને કારણે આખા ખેતરમાં વીજળી ફેલાઈ ગઈ હતી. પરિણામે મોત નિપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહોના પોસ્ટમોર્ટમ શિહોરી સરકારી હોસ્પિટલમાં કરવા મોકલ્યા હતા. જોકે, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયેલો હતો.
ઘટના અંગે પ્રાપ્ત વિગતવાર માહિતી અનુસાર, બનાસકાંઠાના ઉંબરી ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે મહિલાની પાછળ ચાલી રહેલા બે બાળકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ખેતરમાંથી વીજળી વિભાગની એક હાઇ વોલ્ટેજ લાઇન પસાર થાય છે. આ વીજ લાઇનમાંથી આવતો પ્રવાહ આખા ખેતરમાં ફેલાઈ ગયો. ખેતરમાં ચાલતા ફુવારાને કારણે આખા ખેતરમાં વીજળી ફેલાઈ ગઈ. આ ઘટનાથી બિલકુલ અજાણ મૃતક મહિલા રોજની જેમ ઘાસચારો લેવા ખેતરમાં ગઈ હતી. જોકે, ફુવારામાંથી પાણી વહેતું બંધ થતાં જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં, માતા-પુત્ર અને પડોશમાં રહેતી બીજી એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ શિહોરી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
અગાઉ ઉત્તરાયણમાં પતંગની મજા માણવા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં નાનીભાગોળ કહારવાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી ૯ વર્ષની બાળકીને વીજ કરંટ
લાગ્યો હતો. માહિતી પ્રમાણે મકાન પાછળથી પસાર થઈ રહેલ અગિયાર હજાર કિલોવાટની વીજ લાઇનમાં ફસાયેલા પતંગને કાઢવા જતી હતી ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થવા લાગ્યું હતું.
જયારે પાટણ જીલ્લામાં ભેમોસણ ગામે દોઢ વર્ષનું બાળક મિતેષ અભેસંગજી ઠાકોર રમતો હતો. તેની માતા ન્હાવા બેઠી હતી. બાદમાં રમતા રમતા બાજુમાં પાણીના હોજ પર મૂકેલી પાણીની મોટરના જીવિત વીજ વાયર બાળક પકડી લેતા શોર્ટ લાગતા બાળક ઢળી પડ્યું હતું. બાદમાં માતાએ બાળકને જાતા બૂમાબૂમ પાડી હતી અને પાડોશીઓએ બાળકને તાત્કાલિક પાટણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સપડાઈ ગયો હતો.