અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી થઈ રહેલા વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને વળતર આપવા બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન બાબતે બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસિયાએ રાજ્યના મુખ્યમંત્રી તથા
કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી. તેમના દ્વારા પત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને તેમજ ઉપાડેલો પાક પણ પાથરા સ્વરૂપે ખેતરમાં હતો તેના પર પણ વરસાદ પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લામાં મગફળી, કપાસ તથા સોયાબીનના તૈયાર થયેલા પાક પર વરસાદ ખાબકતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી અમરેલી જિલ્લાના ખેડૂતો માટે પણ સહાય જાહેર કરવામાં આવે તે જરૂરી છે.