મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવા રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મસ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ત્યારે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં ૫ ફૂટની ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રજવાડી સાડી અને અલગ અલગ તોરણોથી ગણેશ પંડાલને શણગારવામાં આવ્યો છે. રોજ સવાર-સાંજ સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવે છે. ૧૧ સપ્ટેમ્બરે ગણેશજીને ૫૬ ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મા ખોડલના દર્શન સાથે ભક્તો ગણેશજીના દર્શન કરવા આવી રહ્યા છે.