સાવરકુંડલાની વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧મી જાન્યુઆરીના રોજ યોજાયેલી ફાઇનલ મેચમાં ટી.વાય.બી.કોમ. અને એફ.વાય.બી.એ.ની ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો ખેલાયો હતો. સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મેચમાં ટી.વાય.બી.કોમ.ની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલેજના અધ્યાપક હૈદરખાન પઠાણની રસપ્રદ લાઇવ કોમેન્ટ્રીએ મેચની રોમાંચકતામાં વધારો કર્યો હતો. અંતે ટી.વાય.બી.કોમ.ની ટીમે વિજય મેળવ્યો હતો. વિજેતા અને રનર્સ અપ ટીમોને કોલેજના પ્રિન્સિપાલ ડા. રવિયા અને રમતગમત કમિટીના અધ્યક્ષ અર્જુનસિંહ પરમારના હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. નિરવભાઈ બોરીસાગર અને સુજલભાઈ કનાલાએ અમ્પાયર તરીકે સેવાઓ આપી હતી.