(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૫
રાજ્યમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે દેવ દિવાળીને લઇ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. દૂર દૂરથી ભક્તો શામળાજી ખાતે આવી પહોંચ્યા હતા. ભક્તોએ દેવ દિવાળીના દિવસે ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા.
રાજસ્થાન તરફ જતાં લોકો શામળાજી મંદિરે અચૂક દર્શન કરીને જાય છે. ત્યારે દેવ દિવાળી અને નવા વર્ષને લઇને શામળાજી મંદિરને રોશનીથી સજ્જ કરવામાં આવ્યું હતું. ભક્તોએ શામળિયાના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. ભગવાન શામળિયાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નવા વર્ષને લઇને વિશેષ આરતી સહિતના આયોજનો કરાયા હતા.
દેવોની દિવાળીના મહિમાવંતા પર્વે ભગવાન શામળીયાજીની સન્મૂખ મેરાયૂ પ્રગટવાયું હતું અને પૂનમ પર્વે મોટીસંખ્યામાં આસ્થા ધરાવતા લોકોએ ઐતિહાસિક નાગધરામાં શ્રધ્ધાની ડૂબકી લગાવી પિતૃ તર્પણ કર્યું હતું. જિલ્લાના મંદિરો આ વર્ષે રોશનીથી ઝળહળી ઉઠયા હતા. જ્યારે મોડાસાના સાંઈ મંદિરે ભક્તો દ્વારા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
આ ઉપરાંત સાળંગપુર અંબાજી,દ્વારકા,ડાકોર સહિતના મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ જાવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા હતાં અને વિશેષ ઉપાસના પૂજા-અર્ચના સાથે પર્વની ઉજવણી કરી હતી પ્રસિધ્ધ યાત્રાધામ ખાતે પરંપરાગત રીતે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો શનિવારથી આરંભાયો હતો અને આ મેળામાં હજારો લોકો ઉમટી પડયા હતા.