ખેતી ઉપર કોઈનો કાયમી ઇજારો નથી. ખેડે, વાવેતર કરે અને પરસેવો પાડીને ઉત્પાદન મેળવે તેવા બળુકા સંતાનોની માતા એટલે ધરતી માતા. ભલે ખેડૂતો તેના મન કળવા ન દે પણ વ્યથા અને વેદના મનમાં પડી હોય છે. ઉજળા વસ્ત્રો અને સુટ-બુટમાં ખેડૂતો અને ગામડાઓ બચાવવાની વાતો કરનારાઓને ગામડાઓ અને ખેડૂતો સાથે નાતો રહ્યો નથી. આમ છતાં ખેડૂતસમાજ અને ગામડાઓમાં વસતા ભોળા લોકો અપેક્ષા લઈને જીવી રહ્યા છે.
કૃષિ ક્ષેત્રે પત્રકારત્વ અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર-પ્રચારક અને સામાન્ય નાના ખેડૂત એટલે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મા ખોડલના જ્યાં બેસણા છે તેવા સુડાવડ ગામના વતની પ્રવીણભાઈ આસોદરિયાની એક અનોખી પહેલ સહુ વાચકો સમક્ષ મૂકવી છે. પ્રવીણભાઈ આસોદરિયા અવારનવાર બળાપો કાઢતા કહે છે ખેડૂતની નવી પેઢી ગામડે વીઘા એકના ફળિયા મૂકીને વાડીએ એક ઓરડી હોય તેવી શહેરની સુવિધામાં રહે છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી સુરત, અમદાવાદ, નવસારી જેવા મહાનગરોમાં ગામડેથી જતી ટ્રાવેલ્સ બસોમાં છાશ,
આભાર – નિહારીકા રવિયા ઘી, દૂધ, શાકભાજી, અનાજ કઠોળ મુસાફરોના વજન કરતા આ વસ્તુઓનું વજન વધી જાય છે. ગઈકાલે, આજે અને આવતીકાલે ગામડું જ બધાના પેટ ભરવાનું છે ત્યારે ગામડામાં વસતા ગ્રામીણ સમાજ અને ગામડાઓની ઉપેક્ષા શા માટે ??
પ્રવીણભાઈ આસોદરીયા કહે છે આજે મહાનગરોમાં મોટા મોટા મોલમાં શાકભાજી, અનાજ, કઠોળ મળે છે તે કોઈ ફેક્ટરીમાં બનતું નથી. ખેડૂતોની પરસેવાની મહેનતથી ઉત્પાદન થાય છે. મોલમાં ગ્રેડિંગ અને આકર્ષક પેકિંગના કારણે સારા ભાવો મળે છે. ખેડૂતોએ પણ પોતાના માલના સારા ભાવો મેળવવા માટે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડવો પડશે ઉપરાંત પોતાના ઉત્પાદનની વેલ્યુ પોતાની નક્કી કરવા માટે ફોર-પીની પદ્ધતિ અપનાવવી પડે. જેમાં પ્રોડક્શન એટલે કે વાવેતર પ્રોસેસિંગ એટલે કે પાકનું ઉત્પાદનનું ગ્રેડિંગ અને વેરીએશન અને યોગ્ય પેકેજીંગ તેમજ ખેડૂતોને સારી પ્રાઈઝ મળે આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વેલ્યુએડિશન માટેની યોજનાના લાભો મળે છે તે લેવા રહ્યા.
વધુ પડતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના હિસાબે જમીનો બગડી રહી છે. ઉપરાંત માનવજાત સામે ભયંકર કેન્સર જેવી બીમારી શાકભાજી અને દૂધના હિસાબે આવીને ઊભી રહી છે. લોકોને પૈસા ખર્ચીને પણ સારું ખાવું છે પણ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ મળતી નથી ત્યારે પ્રવીણભાઈ આસોદરીયા અને ખેડૂતોના એક જૂથ દ્વારા પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખાતે પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન થયેલા શાકભાજી અને અનાજ કઠોળનું ૧૦૦% લેબ ટેસ્ટિંગ સાથે વેચાણ કરવામાં આવશે. આ કોઈ સેવાનો ધ્યેય નથી. ખેડૂતોને સારું આપવું છે અને તેના બદલામાં સારું વળતર મેળવવું છે. હાલ આ જૂથ દ્વારા ૭૦૦ વાર જગ્યા રાજકોટ ખાતે પસંદ કરવામાં આવી છે ઉપરાંત ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી ૩૦ વીઘા જમીન વાર્ષિક ૮ લાખના ભાડા પટ્ટે રાખવામાં આવી છે. આ જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવેલ નથી જેમાં વાવેતરના અલગ અલગ સ્ટેપ પાડવામાં આવ્યા છે. રસોડા અને રસોઈમાં જોઈએ તે તમામ ચીજવસ્તુનું વાવેતર કરવામાં આવશે. પ્રથમ ૧૨ વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરેલ છે જેમાં દૂધી, તુરીયા, ગલકા, કારેલા, ચોળી, રીંગણી, ગુવાર, મેથી, પાલક, ડુંગળી, લસણ, કોથમીર, બીટ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરેલ છે ત્યારબાદ ક્રમશઃ ૧૫ ૨૦ દિવસના અંતરે પાંચ પાંચ વીકના સ્ટેપમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવશે. એટલે પ્રથમ વાવેતરની વીણી પૂરી થઈ તો બીજું વાવેતર ઉત્પાદન માટે તૈયાર હોય. સમયાંતરે નેશનલ ડેરી ડેવલપમેન્ટ લેબમાં પરીક્ષણ કરાવીને ગ્રાહકોને વેચાણ કરવામાં આવશે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીના નામે લોકોને ચેક કરવાનો પ્રયત્ન ખેડૂતના નામે થઇ રહ્યો છે પરિણામે ખેડૂતોનો માલ વેચાતો નથી. પ્રાકૃતિક ખેતીના અનુભવો ઉપરથી પ્રવીણભાઈ કહે છે કે, ખેડૂતોએ પોતાના પરિવાર માટે એક બે વીઘા ઝેરમુક્ત ખેતી કરવી જોઈએ. પ્રવીણભાઈ આસોદરિયાનો સંપર્ક નંબર- ૯૭૨૫૨૨૮૭૭૪ છે.