બાબરા તાલુકાની જિલ્લા પંચાયત કરિયાણા સીટના કરિયાણા ગામે કાળુભાર ડેમમાંથી ખેડૂતોને પિયતનું પાણી ઝડપથી મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં ચાર ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો. સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવ્યાએ ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કરિયાણા સીટના સભ્ય નીતિનભાઈ રાઠોડ, કોટડા પીઠા જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાલ, ખાખરીયા ગામના સરપંચ વિપુલભાઈ કાચેલા, ગળકોટડીના સરપંચ વાસુરભાઈ ચૌહાણ, કરિયાણાના સરપંચ ભરતભાઈ સાકરીયા તેમજ અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.