જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતાંવેંત મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની સરકારે ત્યાં ૧૦ + ૨ના અધ્યાપકોની નિમણૂકમાં સંસ્કૃત અને હિન્દીની ઉપેક્ષા કરી છે તેવો આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કર્યો છે અને તે ત્યાં આંદોલન કરી રહી છે. બીજી બાજુ, કર્ણાટકમાં કાંગ્રેસ સરકારે ચિકમંગલુરુ અને મુડિગેર જિલ્લાઓમાં આંગણવાડીના શિક્ષકોની નિમણૂક માટે ઉર્દૂ અનિવાર્ય કર્યું તેનો પણ હોબાળો થયો છે.
જમ્મુ-કાશ્મીરની જ્યારે વાત આવતી ત્યારે ફારુક અબ્દુલ્લા અને મુફિ્ત મોહમ્મદ સઈદ જેવા રાજકીય નેતાઓ (અલગાવવાદીઓ તો ખરા જ) એમ કહેતા કે કાશ્મીરીયત જોખમમાં છે. આ કાશ્મીરીયત એટલે શું? આપણે જેમ ગુજરાતની અસ્મિતાની વાત કરીએ છીએ તેમ તે લોકો તેના માટે ઉર્દૂ શબ્દ કાશ્મીરીયત વાપરે છે. કાશ્મીરી સંસ્કૃતિ અને ભાષા. પરંતુ આ લોકોને કાશ્મીરીયતના બૂમબરાડા પાડવાનો કોઈ અધિકાર નથી. કારણકે કાશ્મીરીયતમાં તો શૈવ, શાક્ત, બૌદ્ધો અને શિયાઓનો પણ સમાવેશ થતો હતો જેનો છેદ જ આ લોકોએ ઉડાડી ત્યાં સાઉદી પ્રકારનો સુન્ની ઇસ્લામ સ્થાપી દીધો. મોહર્રમના તાજિયા પણ બંધ થઈ ગયા હતા.
ભાષા મુદ્દે પણ તેમણે કાશ્મીરી ભાષાના સ્થાને ઉર્દૂ થોપી દીધી હતી.
વાત આ જ છે.
ઘણા ભોળા હિન્દુઓ એમ કહે કે ઉર્દૂ ભાષા તો ભારતમાં જ જન્મેલી છે. મહાન હિન્દુ કવિઓ સહિતના સાહિત્યકારો ઉર્દૂમાં લખતા હતા. ઉર્દૂ હિન્દીમાંથી જ ઉદ્ભવી છે વગેરે વગેરે.
ઉર્દૂ એટલે આ જ કાલમમાં અગાઉ લખી ગયા મુજબ, કુત્બુદ્દીન ઐબકના સમયમાં તુર્ક સેનાની ભાષા. સેનાને તુર્કમાં ઓર્દૂ કહેતા. અને તેની ભાષા (જેને ઉર્દૂમાં ઝબાન કહે છે) એટલે ઉર્દૂ ભાષા. ઉર્દૂ સાહિત્યકારો કે ભદ્ર વર્ગની નહીં, પણ તુર્કી સેનાની ભાષા હતી. આક્રાંતાઓની ભાષા હતી. વ્યાકરણ પોતાનું નહોતું એટલે હિન્દીનું ઉછીનું લીધું. પરંતુ પછી પેટમાં પહોંચી પગ પહોળા કરે તેમ હિન્દીને જ ખાવા લાગી. અત્યારે ઘણા ઉર્દૂ પ્રેમી ફરિયાદ કરે છે કે હવે ઉર્દૂ ભાષા મૃતઃ થઈ ગઈ છે તો આ વ્યર્થ વિલાપ છે. હિન્દીને ઉર્દૂએ પચાવી પાડી છે. વર્ષોથી ફિલ્મોના સંવાદો અને ગીતોમાં ઉર્દૂ જ સાંભળવા મળે છે.
દિલ, જિગર, નઝર, જાન, ઈશ્ક, મુશ્ક, જાનેમન, જાનેજિગર, જાનેતમન્ના, શહનશાહ, અઝીમ ઓ શાન, સલ્તનત, રવાયત, ઇબાદત, બંદગી, સલામ, દુઆ, કુબૂલ, ગુલામ, કનીઝ, ખાકસાર, ખાનસામા, ઇનાયત, ઇન્કાર, તશરીફ, રાઝ, સાઝ, આવાઝ, રકીબ, હબીબ, હરમ, હરામ, હલાલ, તખ્લિયા, મૌજૂદ, હાલાત, હાલ, બેહાલ, પેશ, તલબ વગેરે તો અનેક શબ્દો ઉર્દૂના છે. ઉર્દૂના એટલે અરબી/ફારસી/તુર્કીના છે. વર્ષોથી તેને બોલી-બોલીને કે ગાઈને રૂઢ બનાવી દેવાયા છે. એટલે આજે ઘણાને એમ જ લાગે છે કે આ તો હિન્દીના શબ્દો જ છે.
પરંતુ સાચી હિન્દી ભૂલાવી દેવાઈ છે. ફિલ્મોમાં સાચી હિન્દી બોલનાર કાં તો ખલનાયક હશે કાં કામેડિયન. ‘હમ તુમ ઔર વોહ’માં વિનોદ ખન્ના શિખા, ચશ્મા, વૈષ્ણવ તિલક, ધોતી, કુર્તા અને શાલ સાથે શુદ્ધ હિન્દીમાં ‘પ્રિય પ્રાણેશ્વરી’ ગાય ત્યારે આપણને હસવું આવે પરંતુ ‘જ઼ીહાલ એ મિસ્કીં મકુન બ-રંજીશ બહાલ-એ-હિજ્ર બેચારા દિલ હૈ’ ગીત વખતે આપણને હસવું નથી આવતું. ‘એ હૈરત એ આશિકી જગા મત’ ગીત વખતે આપણને પ્રશ્ન નથી થતો કે ઓછું ભણેલા ધીરુભાઈ અંબાણી આવાં ઉર્દૂસભર ગીતો કેવી રીતે ગાય? (આ ગીત જે ફિલ્મનું છે તે ‘ગુરુ’ ધીરુભાઈ પરથી બની હતી અને તેમાં ગુલઝારે આવું ઉર્દૂ ઘૂસાડ્યું હતું) ‘અક્લ ઓ હોશ નબીં દાનમ હમ હૈ દિલ હૈ ઔર જાનમ’ (ફિલ્મ: ઓમ્ શાંતિ ઓમ્ના ‘દીવાનગી દીવાનગી’ ગીતમાં) કહે છે ત્યારે આપણને હસવું નથી આવતું. આવડે કે ન આવડે, જેવું આવડે તેવું આપણે ગાઈએ છીએ.
લતા મંગેશકરને ફિલ્મોદ્યોગમાં ટકવું મુશ્કેલ હતું કારણકે તેની હિન્દી ભાષા સારી નહોતી, તેમ દિલીપકુમાર અને સંગીતકાર નૌશાદે કહ્યું હતું. તેઓ એમ કહેતા હતા કે તેમનું હિન્દી મરાઠી છાંટવાળું હતું. પરંતુ મૂળે તો તેમને એમ કહેવાનું હતું કે ઉર્દૂમાં ‘ખ’ અને ‘ગ’ વગેરે બોલવા માટે ગળામાંથી ઘસાઈને અવાજ આવવો જોઈએ તેવો નહોતો આવતો. દા.ત. મહાન કવિ ગાલિબનું નામ બોલવું હોય તો ગ અને ઘ વચ્ચેનો ઉચ્ચાર થવો જોઈએ. કભી ખુશી કભી ગમમાં ગનો ઉચ્ચાર ગ અને ઘ વચ્ચે થવો જોઈએ. એટલે કે લતાબાઈના ઉર્દૂ ઉચ્ચારો સારા નહોતા.
પેન્ટલથી માંડીને અનેક કલાકારોને ઉર્દૂ શીખવું પડતું ત્યારે જ ફિલ્મોમાં તેઓ ટકી શક્યા. પરંતુ ફિલ્મોદ્યોગમાં દિલીપકુમારો અને જાવેદ અખ્તરોએ એવી ચોકડી જમાવેલી કે ઉર્દૂ તો હિન્દી પર છવાતી ગઈ અને
સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો ખો નીકળતો ગયો.
આ જ વાત અન્ય ભારતીય ભાષાઓ પર પણ લાગુ થતી ગઈ. ગુજરાતમાં અનેક કવિઓ ઉર્દૂ શબ્દો તો ‘ખાલિસ’ (શુદ્ધ, યુ ના) રીતે વાપરે છે. આની સાથે એક ટ્રેન્ડ એ પણ કર્યો કે સંસ્કૃતનિષ્ઠ (એટલે કે સંસ્કૃત પ્રકારની) ભારતીય ભાષાઓને ‘ભદ્રંભદ્ર’ કહીને
આભાર – નિહારીકા રવિયા ઉપહાસને પાત્ર બનાવી દેવાઈ, જેમાં રમણલાલ નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્ય નવલકથા લખીને અમર થપ્પો લગાવી દીધો કે જો તમે શુદ્ધ ગુજરાતી શબ્દ (જેમાં અંગ્રેજી કે ઉર્દૂની છાંટ ન આવતી હોય) વાપરો તો તે ભદ્રંભદ્ર છે.
એટલે તમે અંગ્રેજી શબ્દ વાપરો તો ચાલે, તમે સાહિત્યમાં પ્રભાવ પાથરવા ‘હમસફર’, ‘હમનિવાલા’, ‘હમપ્યાલા’, ‘હમદર્દ’, ‘હમરાઝ’, ‘હમનશીં’, ‘તારીફ’, ‘ખેરિયત’, ‘માશાઅલ્લાહ’, ‘સુભાનઅલ્લાહ’ વગેરે વાપરો તો ચાલે. પરંતુ તમે સંસ્કૃતનિષ્ઠ ગુજરાતી/હિન્દી વગેરે શબ્દો વાપરો તો તે ભદ્રંભદ્ર છે. મેં પત્રકાર તરીકે આ અનુભવ્યું છે. આવા શબ્દો વાપરો તો તંત્રીઓ એમ કહે કે ભદ્રંભદ્ર પ્રકારનું લખાણ ન જોઈએ. વાચકોને નહીં સમજાય.
આ વાચકોને નહીં સમજાય તે એક ભ્રમણા ઉત્પન્ન કરવામાં આવી છે. અને તે તંત્રીઓ દ્વારા કરાઈ છે. ‘લોકોને નહીં ગમે’ આ શબ્દો વાપરીને પોતાનું ધાર્યું કરાવી લેવાનું.
આપણા દેશ પર અનેક પ્રજાએ આક્રમણ કર્યું. શક, હુણ, કુષાણ, તુર્ક, ગઝની, ઉઝબેકિસ્તાન, ફ્રેન્ચ, પાર્ટુગીઝ, અંગ્રેજ વિચાર કરો કે આમાંથી બે ભાષા અને બે સંસ્કૃતિને કેમ લાદવામાં આવી? અંગ્રેજી અને ઉર્દૂ કહેતાં ખ્રિસ્તી અને ઇસ્લામી? અને આ બધું ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી જ જોવા મળે છે. દક્ષિણમાં આ નથી જોવા મળતું. મહારાષ્ટ્રથી શરૂ કરીને કેરળ-તમિલનાડુ સુધીના ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનો તો પ્રભાવ જોવા મળે છે, પરંતુ ઉર્દૂનો નહીં.
અને એટલે જ કર્ણાટકમાં કાંગ્રેસ સરકારે આંગણવાડીના શિક્ષકો માટે ઉર્દૂ ફરજિયાત કર્યું છે. કેમ કર્યું છે? આશય શું હોઈ શકે? મેકોલે જેવા અંગ્રેજનિષ્ઠોથી માંડીને કાંગ્રેસ કે અન્ય વિપક્ષી સરકારો શિક્ષણનું મહ¥વ ખૂબ સારી રીતે સમજે છે. (ભાજપ અને સાથી સંગઠનો સમજે તો છે પરંતુ શિક્ષણમાં સુધારાની જે ગતિ હોવી જોઈએ તે કાચબાગતિ છે.) ૨૦૧૮માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કાંગ્રેસ સરકાર આવી. આવતાવેંત માખનલાલ ચતુર્વદી યુનિ.થી માંડીને શિક્ષણ જગતમાં ભાજપે નિમેલાઓની હકાલપટ્ટી કરવા લાગ્યા. રાજસ્થાનના અભ્યાસક્રમોમાં ભાજપ શાસનમાં મહારાણા પ્રતાપ મહાન હતા અને અકબર નહીં, પરંતુ જેવી ૨૦૧૮માં કાંગ્રેસ સરકાર આવી એટલે અકબર મહાન થઈ ગયો. કર્ણાટકમાં ટીપૂ સુલતાન મહાન. ટીપૂ સુલતાન જયંતી ઉજવવાનું શરૂ કરી દીધું.
વચ્ચે જ્યારે-જ્યારે અમિત શાહે હિન્દી દિવસ પર હિન્દીનું મહ¥વ વધારવા પ્રયાસ કર્યો અને ગૃહ મંત્રાલય વગેરેમાં હિન્દીના ઉપયોગ પર ભાર મૂક્યો ત્યારે-ત્યારે કર્ણાટકમાં કાંગ્રેસે હિન્દીનો વિરોધ કર્યો. કન્નડ ભાષાના ભોગે હિન્દી નહીં, તેવો પ્રચાર થયો. સારી વાત છે. પરંતુ તો પછી ઉર્દૂ કેમ? હિન્દી તો ભારતીય ભાષા છે. ઉર્દૂ તો અરબી/ફારસી/તુર્કી ભાષા છે જે આક્રાંતાઓની ભાષા છે.
ઉર્દૂ ભાષા કે અંગ્રેજી ભાષાનો પ્રયોગ થાય ત્યારે તેની સાથે વિકૃત સંસ્કૃતિ પણ ઘૂસે છે. દા. ત. એક કહેવત છે- બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી? શું ભારતીય સંસ્કૃતિ મુજબ આ કહેવત ફિટ બેસે છે? આ કહેવત બકરી ઇદના સંદર્ભે છે. બકરાની કુર્બાની દેવાય છે તેથી કહેવાય છે કે બકરીની અમ્મા ક્યાં સુધી શાંતિનો શ્વાસ લેશે? ઇદ પર તો બકરો/બકરી કપાવાના જ છે. ‘આ ચીજ હરામ છે’. ‘હરામ’ અને ‘હલાલ’ કયા પંથની વાત છે? અને તે પંથ મુજબ બાળકો હરામ અને હલાલ ભણશે? કબરમાં પગ લટકે છે તોય ધખારા છૂટતા નથી, તેવું હિન્દુ બાળકો ભણશે? કયામતના દિવસે અલ્લાહ જવાબ માગશે તેવું હિન્દુ બાળકોને ભણાવશો?
અંગ્રેજી આવે છે ત્યારે તેની સાથે ખ્રિસ્તી પંથની પણ વાત આવી જ જાય છે. વ્હેન ઇન રામ, બી લાઇક રામન. આ કહેવતની ભારતમાં શું જરૂર? હિન્દી કહેવતને અંગ્રેજીમાં અપનાવી શકાય કે જૈસા દેશ વૈસા ભેષ. એન આય ફાર એન આય. ખૂન કા બદલા ખૂન. આ બંને કહેવત અનુક્રમે અંગ્રેજી અને ઉર્દૂની છે, પરંતુ હિન્દુ સંસ્કૃતિ કે સંસ્કૃત/હિન્દી ભાષામાં આવી કહેવત તમને નહીં મળે. શેતાન બાઇબલ ટાંકે છે. થિંક આૅફ ડેવિલ ઍન્ડ ડેવિલ ઇઝ હીયર. આવી કહેવતો હિન્દુ બાળકોએ શા માટે ભણવાની?
બે મેગા માર્ટ વચ્ચેની સ્પર્ધા અંગેના સમાચારનું મથાળું એક અંગ્રેજી સમાચારપત્રમાં આવું હતુંઃ ડેવિડ વર્સિસ ગલાયથ (David Vs Goliath): કેન વિશાલ મેગા માર્ટ રેસ અહેડ આૅફ એવન્યૂ સુપરમાટ્ર્સ આૅન ધ બર્સીસ? ભારતમાં રહેનારાને કેવી રીતે ખબર હોય કે ડેવિડ કોણ અને ગલાયથ કોણ? બાઇબલ મુજબ, ગલાયથ એક દૈત્ય હતો જેને ડેવિડે મારી નાખ્યો. મેગા માર્ટ શું એકબીજાને મારી નાખશે? અંગ્રેજી ‘એવરીથિંગ ઇઝ ફૅર ઇન લવ ઍન્ડ વાર’ અને ઉર્દૂમાં ‘ઇશ્ક ઔર જંગ મેં સબ કુછ જાયજ઼ હૈ’ કહેવાય છે કારણકે ત્યાં પ્રેમ અને યુદ્ધ માટે ગમે તે સીમાએ જવાય છે, હિન્દુ
સંસ્કૃતિમાં તો પ્રેમ અને યુદ્ધમાં પણ નિયમો છે. પ્રેમ ત્યાગ માગે છે. સમર્પણ માગે છે. યુદ્ધમાં સામી છાવણીમાંથી લડતા ભીષ્મને પણ પ્રણામ કરવા પાંડવો જાય છે અને વિજયી ભવના આશીર્વાદ મેળવી આવે છે. લંકા પર જીત પછી રાવણ પાસે જઈને તેને પ્રણામ કરી લક્ષ્મણ જ્ઞાનપ્રાપ્તિ કરે છે. એક કહેવત તેની સાથે સંસ્કૃતિ લઈને આવે છે.
નામકરણ માટે અંગ્રેજીમાં શબ્દ છે- ક્રિશ્ચન. એનડીટીવી પર કિયાની નવી કારના નામ અંગે સમાચાર હતા કે – કિયાસ અપકમિંગ એસયુવી ક્રિશ્ચન્ડ સાઇરોસ. પરંતુ ક્રિશ્ચન એટલે ખ્રિસ્તી પદ્ધતિથી થતા સમારંભમાં બાળકનું નામકરણ કરવું અને તેને દેવળ (ચર્ચ)નું સભ્ય બનાવવું.
એટલે આંગણવાડીનાં બાળકો (કર્ણાટક)થી માંડીને કાલેજ સુધી સંસ્કૃત, હિન્દી વગેરે ભારતમાં ઉદ્ભવેલી ભાષાનો ખો કાઢીને ઉર્દૂ ભાષાને થોપવાનું આ વ્યવસ્થિત ષડયંત્ર છે. આ ષડયંત્રને વિફળ બનાવવું જ રહ્યું. આ જ રીતે અંગ્રેજીથી પણ છૂટકારો મેળવવો જોઈએ. જેમને શીખવી હશે તે અલગથી કાર્સ કરી શીખી લેશે. અને આંગણવાડીના શિક્ષકોથી લઈને અધ્યાપકો સુધી ઉર્દૂને ફરજિયાત કરવાનો અર્થ એ જ કે કાં તો ઉર્દૂ જાણતા મુસ્લિમોની ભરતી થાય અથવા તો હિન્દુઓએ પણ ઉર્દૂ શીખવું પડે. શું અમેરિકા, સાઉદી અરેબિયા કે અન્ય વિદેશમાં ત્યાંની ભાષાના ભોગે આવું સરકાર કરે તે માનવામાં આવે છે? આવું ભારતમાં જ મતબૅંકાંધ વિપક્ષો જ કરે.