નવી દિલ્હીમાં આયોજિત ‘રેસિના ડાયલોગ’માં, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના બેવડા ધોરણો પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દા પર યુએનએ પોતાની ભૂમિકામાં મોટી ભૂલ કરી છે અને કાશ્મીર પર પશ્ચિમી દેશોનું વલણ યોગ્ય નથી. એસ જયશંકરે કહ્યું કે ભારતે બીજા વિશ્વયુદ્ધ પછી કાશ્મીરમાં વિશ્વનો સૌથી લાંબો ગેરકાયદેસર કબજા અનુભવ્યો છે.
તેમણે કહ્યું કે ગિલગિટ અને બાલ્ટીસ્તાન સહિત જમ્મુ અને કાશ્મીર રાજ્યએ ૧૯૪૭માં ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હતો પરંતુ પાકિસ્તાને એકપક્ષીય રીતે આક્રમણ કરીને આ પ્રદેશના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજા કરી લીધો હતો અને આજે પણ પરિસ્થિતિ એવી જ છે.
કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના વલણ પર કટાક્ષ કરતા, વિદેશ મંત્રીએ કહ્યું કે તેણે “કાશ્મીર પરના આક્રમણને વિવાદમાં ફેરવી દીધું અને આક્રમક (પાકિસ્તાન) અને પીડિત (ભારત) ને સમાન સ્તરે મૂક્યા.” તેમણે કહ્યું કે આ અન્યાય યુકે, કેનેડા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વિષય પર ગંભીર પુનર્વિચારની જરૂર છે.
તેમણે કહ્યું, “આપણને એક સિસ્ટમની જરૂર છે, તેમાં ન્યાયીતા હોવી જોઈએ. આપણને એક મજબૂત સંયુક્ત રાષ્ટ્રની જરૂર છે, પરંતુ મજબૂત સંયુક્ત રાષ્ટ્ર માટે ન્યાયીતા જરૂરી છે. મજબૂત વૈશ્વીક વ્યવસ્થા માટે, કેટલાક મૂળભૂત ધોરણોની સ્થિરતા હોવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકારી ન શકે.”
એક ઉદાહરણ આપતાં, જયશંકરે કહ્યું કે ભારતના પૂર્વીય પાડોશી મ્યાનમારમાં લશ્કરી શાસન છે, જે તેમના મતે સ્વીકાર્ય નથી. જોકે, તેમણે પશ્ચિમી પાડોશીનો ઉલ્લેખ કરતા કહ્યું કે “તેઓ સારું કરી રહ્યા હોય તેવું લાગે છે.”