જમ્મુ કાશ્મીરમાં એક દસકા બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. કાશ્મીર ભારતના મસ્તકની જગ્યાએ છે. દેશ આઝાદ થયા બાદથી જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. પાંચ વર્ષ પહેલા ભારતની સંસદે ભારતના બંધારણમાં દર્શાવેલ ૩૭૦ કલમ રદ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરેલ છે અને ખાસ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવેલ છે. વહીવટી સુગમતા ખાતર જમ્મુ અને કાશ્મીરને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર ૨૨ જિલ્લાઓમા વહેંચાયેલ છે. જ્યારે લદ્દાખને ૨ જિલ્લામા વહેંચવામાં આવેલ છે. જ્યાં મત આપવો કે ચૂંંટણી લડવી એ પ્રતિબંધિત હતું ત્યાં આજે મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં સરહદ પારનો કોઈ કાંકરીચાળો નથી. નહીંતર મતપેટીઓની સાથે આતંકવાદીઓને પણ સંભાળવાના રહેતા. દેશભરની કોઈપણ ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં પણ સારા રસ્તા, વીજળી, પાણી સહિત વિકાસના મૂળભૂત મુદ્દાઓ ચર્ચામાં છે. પ્રજા સુવિધાઓ માંગી રહી છે અને વિવિધ રાજકીય પક્ષો એ અંગેના વચનો આપી રહ્યા છે. કાશ્મીરમાં પાયાની સુવિધાઓની માંગ પૂરી પાડવાના રાજકીય વચનો સાથે ચૂંટણી લડવામાં આવે એ જ મોટી વાત છે. કોઈપણ લોકશાહી દેશમાં જયારે તેના કોઈ એક ભૂ ભાગમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ જો ન યોજી શકાતી હોય, તો એ દેશની નબળાઈ અને કમનસીબી કહેવાય. દેશની દરેક તબકાની અને વિસ્તારની પ્રજાની જો શાસનમાં સક્રિય ભાગીદારીતા હોય તો લોકશાહી સફળ ગણાય. કાશ્મીરનો ખાસ દરજ્જો અને એ ખાસ દરજ્જા હેઠળ જે ચૂંટણીઓ યોજાતી તેને નિષ્પક્ષ કહી શકાય એ સ્થિતિ ભૂતકાળમાં ક્યારેય નહોતી.
૩૭૦ હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પંચાયતી રાજને મજબૂત કરવાના પ્રયાસો થયા છે જેમાં સારી સફળતા પણ મળી છે. પંચાયતી રાજના આ વિસ્તરણને લીધે સ્થાનિક આગેવાનોમાં વિશ્વાસ ઉભો થયો છે કે તેઓ પણ સિસ્ટમમાં ભાગીદારી કરી શકે છે. પંચાયતોને સીધી નાણાકીય સત્તાઓ આપીને તેમના ખાતામાં સીધા નાણા મોકલીને પાયાના કલ્યાણ કાર્યોને પ્રાથમિકતા આપવાથી સ્થાનિક પ્રજા અને નેતાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં અપક્ષ ઉમેદવારો આ બાબતની સાબિતી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સંખ્યામાં મતદાનમાં નોંધપાત્ર સુધારો થયો હતો. ત્યાં સુધી છેલ્લા ત્રણ દાયકા દરમિયાન મતદાન ઓછું રહ્યું હતું. ૨૦૨૪ની લોકસભા બાદ પરિણામ એ આવ્યું કે આ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઘરે-ઘરે પ્રચાર, રોડ શો અને ખીણમાં ફરતી રેલીઓ જેવો સપૂર્ણ રાજકીય પ્રચાર થયો, જે કાશ્મીરમાં કલ્પના માત્ર હતો. આ લોકશાહીનું દ્રઢીકરણ તરફનું એક હકારાત્મક પાસું માની શકાય. એ સિવાય ગત લોકસભા ચૂંટણી બાદ નોંધપાત્ર જાહેર સમર્થન ધરાવતા આગેવાનો કોઈ નાના પક્ષ સાથે કે તે વિના પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. આવા ઉમેદવારોની હાજરીએ પરંપરાગત અલગાવવાદી પક્ષો જેવાકે પીડીપી, નેશનલ કોન્ફરન્સની છાવણીમાં ખળભળાટ ઉભો કરી દીધો છે. જે ભય હતો, એ કમ સે કમ ખતમ થઇ ગયો છે. સરકાર દ્વારા આતંકવાદ સામે જે રીતે છેલ્લા એક દાયકા દરમિયાન કામ લેવામાં આવ્યું છે એ પરથી સ્થાનિક પ્રજામાં સુરક્ષાની ભાવનામાં વધારો કર્યો છે. એ પણ એક કારણ છે કે આજે ચૂંટણી ફરજમાં રોકાયેલો કર્મચારી બેખોફ થઈને પોતાની ફરજ નિભાવી રહ્યો છે.
ભાજપ કાશ્મીરની ઘણી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યું નથી આ એમની પ્રોક્સી રાજકીય ચાલ હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે, આ પ્રાદેશિક પક્ષો વચ્ચેના મતો વિભાજિન માટેની સંભાવનાનો ભાજપનો દૃષ્ટિકોણ હોઈ શકે છે. તેમજ નવા અને સ્થાનિક ઉમેદવારો માટે માર્ગ બની શકે છે, જેઓ પછીથી ભાજપ સાથે જોડાઈ શકે છે. એ સ્પષ્ટ છે કે ભાજપ અને આ મોટા જનસમર્થન ધરાવતી વ્યક્તિઓની હાજરીથી અબ્દુલ્લા, મુફ્‌તી, લોન જેવા પરંપરાગત અલગાવવાદી પરિવારો અને પક્ષોની રાજકીય જમીન ખસકી રહી છે. તેઓ બખૂબી જાણે છે કે જો આ રાહે જનતામાં ઉત્તરોતર લોકશાહીનું દ્રઢીકરણ થતું રહે તો એમની ઉંચા પડ્‌થારની રાજકીય દુકાન બંધ થઇ શકે છે.
રાજકીય સમીકરણો જે હોય તે, ચૂંટણીના પરિણામો જે આવે તે, જે પક્ષ કે વ્યક્તિ જીતે તે, એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે કાશ્મીર દેશના મિજાજ સાથે જોડાઈ રહ્યું છે. ભલે પક્ષો દ્વારા ફરીથી ૩૭૦ લાગુ કરવાના વચનો અપાઈ રહ્યા હોય, કાશ્મીરની પ્રજા કાશ્મીર માટે વોટ કરી રહી છે. આ માત્ર કાશ્મીર જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે આનંદની વાત કહી શકાય. દેશનો જે ભાગ આજદિન સુધી દેશથી કપાયેલો હતો એ આજે વિધિવત લોક્શાહી ઢબે મુક્ત અને ન્યાયી ચૂંટણી દ્વારા દેશમાં લોકશાહી ઢાંચાનું એક અભિન્ન અંગ બની રહ્યો છે. વર્તમાન સરકાર દ્વારા કાશ્મીરને દેશના મુખ્યપ્રવાહમાં જોડવા માટેના સઘન પ્રયાસો છે, જેના લીધે આજે આ શક્ય બન્યું છે.
ક્વિક નોટ == ૧૯૮૯-૯૦ કે જાડોમે શ્રીનગર એક ભયાનક ભુતહા શહર જૈસા થા જો યુદ્ધ કે તાંડવ કા આરંભ દેખ રહા થા. રૂબિયા સઈદ કે અપહરણને બગાવત કા બાંધ ખોલ દિયા. હત્યાયે રોજમર્રાકી ચીજ બન ગયી. બમબાઝી ઔર ફાયરીંગ અબ મુખ્યમંત્રી આવાસ કે પાસ કે સબસે સુરક્ષિત ઈલાકોમે ભી હોને લગી થી. ટ્રકોમેં બંદુકે લહેરાતે હુએ યુવા કેંટ ક્ષેત્ર કે પાસ દિખાઈ દેને લગે થે. આતંકવાદિયોં દ્વારા શહેર કે કેન્દ્રીય ઈલાકોમે મીલીટરી પરેડ હોતે થે. કશ્મીરિયો કો ભરોસા થા કી વે અબ મુક્તિ કે મુહાને પર થે. કંઈયો ને તો અપની ઘડિયા પાકિસ્તાન કે સમય સે મિલા લી થી. પાકિસ્તાની જાસૂસો કે લિયે એ શાનદાર વક્ત થા. ઇસ વક્ત કોઈ કિસી પર ભરોસા નહિ કરતા થા. રાજ્ય સરકાર જમ્મુમે થી. શહરમે ઈન્ટેલીજન્સ સંસ્થાઓ કો છોડકર શાયદ હી કોઈ કેન્દ્રીય કર્મચારી બચા થા.
– એ.એસ.દુલત, જોઈન્ટ ડીરેક્ટર ઈન્ટેલીજન્સ બ્યુરો – કાશ્મીર ૧૯૮૮-૯૦