વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન કુવૈતના ગાયક મુબારક અલ રશીદે કુવૈતના શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમુદાય કાર્યક્રમ ‘હાલા મોદી’માં દેશભક્તિનું ભારતીય ગીત ‘સારે જહાં સે અચ્છા’ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમ પીએમ મોદીની કુવૈતની ઐતિહાસિક બે દિવસીય મુલાકાતનો એક ભાગ છે, જે ૪૩ વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા ગલ્ફ દેશની પ્રથમ મુલાકાત છે.અલ રશીદે કુવૈત અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ‘પીએમ મોદીએ મારા દેશ કુવૈત વિશે વાત કરી. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો વિશે વાત કરી… મને કુવૈતી હોવાનો ગર્વ છે. તેણે કુવૈતિઓને ભારત આવવા કહ્યું.
વડાપ્રધાન મોદી શનિવારે કુવૈત પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન પર કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ અને આંતરિક પ્રધાન શેખ ફહદ યુસેફ સઉદ અલ-સબાહ, દેશના વિદેશ પ્રધાન અબ્દુલ્લા અલી અલ-યાહ્યા અને અન્ય ઘણા મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને દેશના વડાપ્રધાન સાથેની તેમની બેઠકની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ બેઠકો બંને દેશો અને ક્ષેત્રના લોકોના લાભ માટે ભાવિ ભાગીદારી માટે રોડમેપ તૈયાર કરવાની તક પૂરી પાડશે.