કેક્ટસ એ વૈશ્વીક સ્તરે સૌથી વધુ વૈવિધ્યસભર અને વ્યાપક રીતે ઉપયોગ થતો છોડ છે. તે ખોરાક, દવા, ઓફિસમાં અને સુશોભન છોડ સહિત અસંખ્ય રીતે ઉપયોગી છે. કેક્ટસ/હાથલા એ શોભા તરીકે વપરાતા બહુવર્ષાયુ રસદાર અને ધીમા વધતા છોડ કે જે સૂકી પરિસ્થિતિનો સામનો કરવાની વિશિષ્ટ શક્તિ ધરાવે છે. તેની ઘણી અલગઅલગ જાતો છે. કેટલાક કેક્ટસના દાંડીના રંગમાં સામાન્ય ઘેરા લીલા રંગ સિવાય જાંબલી, નારંગી, લાલ અને વાદળી જેવા આકર્ષક રંગોનો સમાવેશ થઈ શકે છે. આકાર, કદ, થડ, દાંડી, ફૂલો વગેરેમાં વધુ વિવિધતા છે તેથી તે ઘર કે ઓફિસમાં, બગીચા, પાર્ક અને લેન્ડસ્કેપમાં સુશોભન માટે ઉછેર કરવામાં આવે છે.
આધુનિક વિશ્વમાં સુશોભન માટે કેક્ટસની ખેતી વધતી જાય છે અને તે પ્રમાણમાં ખૂબ નફાકારક છે. ઓછી કિંમત સાથેના નફાના પરિબળ અને સુશોભન મૂલ્ય સાથે થોરની પ્રજાતિઓની માંગને લીધે, બજાર આવનાર નજીકના ભવિષ્ય માટે ઘટશે નહીં. કેક્ટસનું આર્થિક મહત્વ તેની સુંદરતાના કારણે રહેલ છે. નેશનલ કેક્ટસ એન્ડ સક્યુલન્ટ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ સેન્ટર, જે કેક્ટસ ગાર્ડન તરીકે ઓળખાય છે, એ ભારતના હરિયાણાના પંચકુલાના સેક્ટર ૫માં ૭ એકર (૨.૮ હેક્ટર)નો કેક્ટસ બગીચો છે, જેની સ્થાપના ૧૯૮૭માં કરવામાં આવી હતી અને તે તેની દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે ભારતીય રસદાર છોડ જાણીતો છે. તેમજ તાજેતરમાં રીજીયોનલ પ્લાન્ટ રિસોર્સીસ સેન્ટર, ભુવનેશ્વર દ્વારા જણાવ્યા અનુસાર કેક્ટસ અને તેના જેવા રસદાર છોડની વેપારી ધોરણે નર્સરીઓ સ્થાપવાની જરૂરિયાત છે. પાંદડાથી શોભા આપતા છોડમાં કેક્ટસ એક અગત્યનો છોડ છે. તેનો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુક્કા (Yucca) નામે રસદાર છોડ પ્રથમ દસ પાંદડાથી સુશોભિત છોડમાં પ્રથમ નંબરે છે. ભારતમાં કેક્ટસની ખ્યાતિ બગીચા, પાર્ક અને લેન્ડસ્કેપ સુશોભિત છોડ તરીકે દિનપ્રતિદિન માગ વધતી જાય છે. તેના પરિણામે વેપારી ધોરણે કેક્ટસ નર્સરીઓ ઉછેરવાની ખુબ જ જરૂરીયાત છે.
કેક્ટસની જાતો:
કેક્ટસ એ કેકટેસી કુટુંબના છોડ છે. તેની મોટા ભાગની જાતો તીક્ષ્ણ કાંટા ધરાવે છે તેમજ તે પાણી સંગ્રહ કરવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોઈ સૂકી પરિસ્થિતિનો સામનો કરી શકે છે. રંગબેરંગી ફૂલો અને તેના વિવિધ આકારને કારણે બાગ-બગીચાઓ તથા ઘરઆંગણે કૂંડામાં તેમજ ઓફિસોમાં શોભા તરીકે ઉછેરવામાં આવે છે. તેની સીરેઅસ જાતનાં ફૂલો મોટાં, મીઠી સુગંધીવાળા અને સાંજે ખીલી આખી રાત રહીને સવારે ખરી પડે છે. કેટલીક જાતનાં ફૂલો ઘંટાકાર આકારનાં અને દેખાવ સુંદર હોય છે. કેક્ટસની નીચે દર્શાવેલ જાતો દુનિયામાં જાણીતી છે. (૧) મેલોકેક્ટસ કોમ્યુનીસ (ર) ઓપંશિયા સ્પી. (૩) ટ્રાયેગલ કેક્ટસ (૪) જાયન્ટ કેક્ટસ (૫) સિરેઅસ (૬) પેરેસ્કીયા (૭) મેમ્મીલારિયા સ્પી. (૮) ઈચિનોકેક્ટસ ૯) ગોલ્ડન બેરેલ (૧૦) હેજહોગ કેક્ટસ (૧૧) પેરોડીયા સ્પી. (૧૨) હારીસીયા સ્પી. વગેરે.
કેક્ટસની ઉપયોગિતા:
કેક્ટસનું મૂળ વતન મેકસીકો અને અમેરિકા છે જયાં તેના શોભાના છોડ તરીકે નહિ પરંતુ ખોરાક અને લાકડાના સ્રોત તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં તેમજ દુનિયામાં મોટાભાગના દેશોમાં હાથલા થોરનો ઉપયોગ વાડ અને રક્ષણ તરીકે થાય છે. મેકસીકન લોકો તેની કુમળી ડાળીઓના ટૂકડા કરી રાંધી શાકભાજી તરીકે ખાય છે અને ફૂલોને તે સૂકવીને વાપરે છે. કેટલીક જાતના ફૂલોનો સ્વાદ સ્ટ્રોબેરી જેવો હોય છે. જાયન્ટ કેક્ટસના ફ્ળો પાકે ત્યારે તેમાં કાળાં બી હોય છે જેને ભારતમાં કેટલાક લોકો દળીને એક જાતનો લોટ બનાવી વાપરે છે. કેલિફોર્નિયામાં ઓપંશિયાના તાજાં ફ્ળો માર્કેટમાં લીલા મેવા તરીકે અને સૂકા ફ્ળો અંજીરની જેમ સૂકા મેવા તરીકે વેચાય છે. સિરેઅસી જાતના ફળોના મુરબ્બા પણ બનાવાય છે. ઓપંશિયા જાતના કેક્ટસમાંથી તેલ મેળવવામાં આવે છે જેનો ઉપયોગ ફેસ ક્રીમની બનાવટમાં થાય છે. તેની કેટલીક જાતનાં ફળો ખાટા-મીઠા હોઈ તેનું શરબત બનાવી પીવાય છે. તેના ફળોને આથો લાવી ‘કેલોન્ચે’ અને ‘તિસ્વીન’ નામના પીણાં બનાવાય છે. તેમજ ભારતમાં હાલ ડ્રેગન ફ્રૂટનો વ્યાપ પણ વધેલ છે. ગુજરાતના થુવારીયાની સ્પીસીસ પણ વન્યપ્રાણીથી ખેતરને નુકસાનથી અટકાવે છે.
ખેત-હવામાનની જરૂરિયાત:
કેક્ટસ રણ વિસ્તાર, વિષુવવૃત્તીય, ભેજવાળા જંગલો, દરિયા કિનારાની રેતી અને પહાડો પર ઊગે છે. તે દાર્જિલિંગ, કાલીમપોંગ જેવા શૂન્ય અંશ સેન્ટીગ્રેડ ધરાવતા વિસ્તારો તેમજ ૩૫ થી ૪૦ સે. ઉષ્ણતામાન ધરાવતા વિસ્તારોમાં પણ થાય છે. તેનું થડ, પાન, મૂળ વગેરે પાણી સંગ્રહ કરવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવતા હોઈ સૂકારા સામે પ્રતિકાર કરી શકે છે તેથી તેનો ઉછેર સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં સહેલાઈથી કરી શકાય છે. ઠંડા પ્રદેશોના હવામાનમાં તેનો ઉછેર કરવો હિતાવહ નથી. તેનો ઉછેર વિવિધ પ્રકારની જમીનોમાં થઈ શકે છે. પરંતુ સારા નિતારવાળી જમીન વધુ માફ્ક આવે છે. તેના સારી ગુણવત્તાવાળા છોડ મેળવવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખી છાંયામાં ઉછેરવા જોઈએ. જે વિસ્તારમાં રસ્તા, પિયત, વીજળી અને એરપોર્ટની સગવડ મળી શકે તેમ હોય તેવા વિસ્તારોમાં વેપારી ધોરણે કેક્ટસ નર્સરીઓ બનાવવી જોઈએ. આ કેક્ટસ નર્સરી માટે કુશળ મજૂરોની પણ ખાસ જરૂરિયાત રહે છે.