કેનેડામાં એક પંજાબી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ ૨૯ વર્ષીય ગુરવિંદર ઉપ્પલ તરીકે થઈ છે. કેનેડાના ડેલ્ટા સિટીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ડેલ્ટા સિટી પોલીસે જણાવ્યું હતું કે ગુરવિંદર ઉપ્પલને એક ગેંગના શૂટરોએ ગોળી મારી હતી.
૧૧૨ બી સ્ટ્રીટના ૮૧૦૦ બ્લોકમાં ગોળીબારના અહેવાલ મળતાં અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એક યુવાન ગંભીર હાલતમાં મળી આવ્યો, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ગોળીબારના થોડા સમય પછી, બ્લેક ડ્રાઇવના ૭૩૦૦ બ્લોકમાં એક સફેદ ટ્રક સળગતી હાલતમાં મળી આવ્યો હતો, જે આ ઘટના સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. એવી શંકા છે કે ફોરેન્સિક તપાસ અટકાવવા માટે ગોળીબાર કરનારાઓએ હત્યા કર્યા પછી તેમના વાહનને આગ લગાવી દીધી હતી.
તપાસકર્તાઓનું માનવું છે કે આ ઘટના એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે અંજામ આપવામાં આવી હતી અને સામાન્ય લોકોની સલામતી માટે કોઈ ખતરો નથી. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જા કોઈને આ ઘટના વિશે કોઈ માહિતી હોય તો તેઓ ૬૦૪ ૯૪૦ ૭૩૨૧ પર સંપર્ક કરે. અહીં એ ઉલ્લેખનીય છે કે ડેલ્ટા શહેરમાં ૨૦૨૪ દરમિયાન કોઈ હત્યા થઈ નથી અને ૨૦૨૫ ની આ પહેલી હત્યાની ઘટના છે.