કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અધિકારીઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ડાઉનટાઉન ટોરોન્ટોના લેક શોર બુલેવાર્ડ ઈસ્ટ અને ચેરી સ્ટ્રીટ વિસ્તારમાં ગયા ગુરુવારે અકસ્માત થયો હતો, પોલીસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા કારમાં ૨૫ થી ૩૨ વર્ષની વયના પાંચ લોકો હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે તે ગાર્ડ રેલ અને પછી કોંક્રીટના થાંભલા સાથે અથડાયું હતું અને આગ લાગી હતી.
ટોરોન્ટો સન અખબારે ટોરોન્ટો પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર ફિલિપ સિંકલેરને ટાંકીને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી અમે કેટલાક પુરાવા એકત્ર કર્યા છે કે (ઉચ્ચ) ઝડપ અકસ્માતનું કારણ હતું.” પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ કારમાં સવાર ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે ૨૫ વર્ષીય મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જેની હાલત ખતરાની બહાર છે. અહેવાલો અનુસાર, મહિલાને પસાર થતા એક મોટરચાલક દ્વારા બચાવી લેવામાં આવી હતી. ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સત્તાવાર હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સત્તાવાળાઓ અને પીડિતોના સંબંધીઓ (ભાષા) સાથે નિયમિત સંપર્કમાં છે.