કેનેડાના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાંની પોલીસે હજુ સુધી ઘટનાની વિગતો જાહેર કરી નથી, પરંતુ ભારતીય દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારને શકય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.
ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું કે એક ભારતીય નાગરિકની હત્યાના કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
ભારતીય હાઈ કમિશનેટીવટર પર લખ્યું – “ઓટાવા નજીક રોકલેન્ડમાં ચાકુ મારવાની ઘટનામાં એક ભારતીય નાગરિકના દુઃખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ જેથી શકય તેટલી બધી સહાય પૂરી પાડી શકાય.”
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આજે સવારે ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જાકે, એ સ્પષ્ટ નથી કે આ એ જ ઘટના છે જેનો ઉલ્લેખ ભારતીય દૂતાવાસે પોતાની પોસ્ટમાં કર્યો છે. સમાચાર અહેવાલો અનુસાર, ઓન્ટારિયો પ્રાંતીય પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બની રહી હોવાને કારણે રોકલેન્ડના રહેવાસીઓમાં ડરનો માહોલ છે.