પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરેલા વિકાસલક્ષી બજેટને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આવકાર્યું છે. આ બજેટ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસને ચરિતાર્થ કરે છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે જે આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિમાણો ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેશે. આનાથી ૧.૭ કરોડ ખેડૂતોને ફાયદો થશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. મહિલાઓ એસ.ટી., એસ.સી અને પછાત વર્ગો માટે ૨ કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે. આરોગ્ય ક્ષેત્રે ત્રણ વર્ષ માટે તમામ જિલ્લામાં હોસ્પિટલમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવાની સુવિધા પૂરી પાડશે, મેડિકલ કોલેજમાં ૭૫૦૦૦ નવી મેડિકલ બેઠક સર્જન કરાશે. ૧૨.૭૫ લાખ સુધીની આવક પર શૂન્ય આવક વેરો લાગશે. કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટથી ગુજરાતમાં શહેરી વિકાસ, સ્ટાર્ટઅપ, એમએસએમઈ, ટુરિઝમ અને શિપિંગ જેવા ક્ષેત્રોને ફાયદો થશે અને આ બજેટ દેશને એક નવી દિશા આપશે.