જામીન પર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈને મોટું નિવેદન આપ્યું છે. સત્યેન્દ્ર જૈને શનિવારે સવારે કહ્યું કે જા લોકશાહી ન હોત તો કેન્દ્ર સરકારે મને અત્યાર સુધીમાં ફાંસી આપી દીધી હોત. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જા આપણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશું તો જેલમાં જવું પડશે. જેલમાં ગયા પછી આપણા ઘણા નેતાઓ હંમેશા વિચારતા હતા કે તેઓ શા માટે આપણને તોડવા માગે છે? અમે તેના વિશે ઘણું વિચાર્યું અને નિષ્કર્ષ પર આવ્યા કે તેઓ ફક્ત અમને અને અમે લાવેલા પરિવર્તનને રોકવા માંગે છે.
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મારી સામે આ કેસ સાત વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. હજુ તપાસ પૂરી થઈ નથી, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મને, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનો હતો. મને મહિનાઓ સુધી એકાંત કેદમાં રાખવામાં આવ્યો. જેલના સીસીટીવી ફૂટેજ જે વ્યાપક પ્રમાણમાં વાયરલ થયા હતા. જેલમાં મારા સારા સમય વિશે ભાજપના લોકોએ ખૂબ હોબાળો મચાવ્યો હતો, પરંતુ તમામ કેદીઓને તે સુવિધાઓ આપવામાં આવી હતી. મેં જેલમાં ૪૦ કિલો વજન ઘટાડ્યું હતું, પરંતુ તેઓ ક્યારેય લોકોને બતાવશે નહીં. હું લગભગ મરી ગયો.
ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર કરતા સત્યેન્દ્ર જૈને કહ્યું કે તેમની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એવું લાગે છે કે બ્રિટિશ શાસન પાછું આવ્યું છે. સરકારોએ વસ્તુઓ પૂર્ણ કરવા માટે સ્પર્ધા કરવી જાઈએ. જાકે, ભાજપ કામ કરવામાં હરીફાઈ નહીં કરે, તેઓ કહે છે કે અમે તમને કામ કરવા નહીં દઈએ. મારી ધરપકડ કરવામાં આવી હતી. મોહલ્લા કલીનિક બનાવવામાં આવી રહ્યા હતા, હોસ્પિટલો બની રહી હતી, યમુના (નદી)ની સફાઈ થઈ રહી હતી. મારી ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલા તમામ કામને રોકવા માંગતા હતા.
જૈને કહ્યું કે મને લાગે છે કે આ દેશ માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે કોઈપણ પક્ષના હોઈએ, આપણે દેશના કલ્યાણ માટે કામ કરવું જાઈએ. તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનને શુક્રવારે દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી મોડી સાંજે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.