કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રણાલી લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. મેઘવાલ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ખાનગી યુનિવર્સિટીના નવા શૈક્ષણિક વિભાગનું ઉદ્ઘાટન કર્યા પછી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, ‘કેન્દ્ર સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ લાગુ કરવા માટે કટિબદ્ધ છે. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજોઈ હતી. મેઘવાલે કહ્યું કે ‘એક દેશ, એક ચૂંટણી’ રાષ્ટ્રીય હિતમાં છે.
તેમણે કહ્યું કે ‘એક દેશ, એક ચૂંટણી’ પર ચૂંટણી પંચ, અમારી સમિતિઓ, નીતિ આયોગ જૂથ અને પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સંમતિ આપવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રીમંડળે પણ તેને મંજૂરી આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે સંયુક્ત સંસદીય સમિતિના વિચારણા હેઠળ છે અને વિવિધ સામાજિક સંગઠનો સાથે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન મીડિયાના એક પ્રશ્નના જવાબમાં મેઘવાલે કહ્યું, ‘કેટલાક પક્ષો એવા છે જે તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે.’ પીએમ મોદી તુષ્ટિકરણને બદલે સંતોષ પર ભાર મૂકે છે.