આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પાકિસ્તાનના યજમાનપદ હેઠળ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે, જેના માટે ૮ ભાગ લેનાર ટીમોમાંથી ૭ પાકિસ્તાન પહોંચી રહી છે, જ્યારે ભારતીય ટીમ ૧૫ ફેબ્રુઆરીએ દુબઈ જવા રવાના થઈ ગઈ છે, જ્યાં તે આ ટુર્નામેન્ટમાં તેની મેચ રમશે. ટીમ ઈન્ડીયાની ટીમની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી જેમાં પ્રસ્થાન પહેલા ૨ ફેરફારો જાવા મળ્યા હતા. આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યા છે, જેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડીયાએ વર્ષ ૨૦૨૪માં ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડીયાએ આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ ટીમ સામે રમવાની છે.
ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ દુબઈ જવા રવાના થયેલી ભારતીય ટીમમાં ૫ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડીયાની ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે જસપ્રીત બુમરાહને તેમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તે સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા, ભારતીય ટીમે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી, જેમાં તે ત્રણેય મેચ જીતવામાં સફળ રહી હતી અને આમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને પોતાનું ફોર્મ પાછું મેળવવામાં સફળ રહ્યા હતા.
ભારત અને પાકિસ્તાનના ચાહકો ૨૩ ફેબ્રુઆરીના રોજ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે, જેમાં આ દિવસે ટીમ ઈન્ડીયા દુબઈના મેદાન પર ગ્રુપ-એમાં યજમાન પાકિસ્તાનનો સામનો કરશે. ટીમ ઈન્ડીયાની બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે ૨ઃ૩૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ૨ માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ સામે રમવાની છે. જા ટીમ ઈન્ડીયા ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો તે દુબઈના મેદાન પર ટાઇટલ મેચ પણ રમશે.