રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીના મંદિરમાં દર્શન કર્યા બાદ, ભાજપના નેતાએ મંદિરમાં ગંગાજળ છાંટ્યું. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાએ અલવરમાં શ્રી રામ મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ દાવો કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને દલિત સમુદાયનું અપમાન ગણાવ્યું છે. આ મુદ્દા પર રાજસ્થાનમાં રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભાજપના નેતા જ્ઞાન દેવ આહુજા એક મંદિરમાં ગંગાજળ છાંટતા જોવા મળે છે, ત્યારબાદ તેઓ કહેતા સાંભળવામાં આવે છે કે મંદિરોને અપવિત્ર ન કરો, આ ભગવાન શ્રી રામનું મંદિર છે, મેં હમણાં જ તેમના પગ પર ગંગાજળ છાંટ્યું છે, અશુદ્ધ લોકો અહીં આવ્યા છે.
વિપક્ષના નેતા ટીકારામ જુલીએ દાવો કર્યો હતો કે આહુજાનું કૃત્ય દલિતો પ્રત્યે ભાજપની માનસિકતા દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે આ ફક્ત તેમના વિશ્વાસ પર હુમલો નથી પણ અસ્પૃશ્યતાના ગુનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ પણ છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, “મેં વિધાનસભામાં દલિતોનો અવાજ ઉઠાવ્યો હતો અને અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાની વાત કરી હતી, પરંતુ ભાજપની માનસિકતા એવી છે કે તેમણે મંદિરને ગંગાજળથી ધોઈ નાખ્યું કારણ કે હું દલિત છું અને મેં મંદિરમાં દર્શન કર્યા હતા.
તેમણે કહ્યું, શું ભાજપ દલિતોને એટલો બધો નફરત કરે છે કે તે આપણને પૂજા કરતા પણ જોઈ શકતું નથી? શું ફક્ત ભાજપના નેતાઓનો જ ભગવાન પર અધિકાર છે? જુલીએ માંગ કરી કે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને ભાજપ રાજ્ય એકમના પ્રમુખ મદન રાઠોડ સ્પષ્ટ કરે કે શું તેઓ મંદિરમાં જવા બદલ દલિતને “સ્નાન” કરવાનું સમર્થન કરે છે.
ભાજપના નેતા આહુજાએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એક સારો કાર્યક્રમ હતો, પરંતુ તેમાં કેટલીક વિસંગતતાઓ હતી. તેમણે કહ્યું કે મેં આજે ત્યાં જઈને મંદિર પરિસરને શુદ્ધ કરવા માટે ગંગાજળ છાંટ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં ભગવાન રામને પૌરાણિક વ્યક્તિ ગણાવ્યા હતા.
મલ્લીકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો હતો. તેથી, પક્ષના નેતાઓને આવા કાર્યક્રમોમાં ભાગ લેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
આહુજાએ કહ્યું કે આ પગલું કોંગ્રેસના નેતાઓના ભગવાન રામ પ્રત્યેના વિચારો અને વલણને કારણે લેવામાં આવ્યું છે, જુલી “દલિત” હોવાને કારણે નહીં. તેમણે કહ્યું, “મેં મંદિરનું શુદ્ધિકરણ કર્યું કારણ કે કોંગ્રેસના નેતાઓ માને છે કે ભગવાન રામ એક પૌરાણિક પાત્ર હતા.
આહુજાની ટીકા કરતા ગેહલોતે કહ્યું કે, વિપક્ષી નેતા ટીકારામ જુલી મંદિર ગયા પછી ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાએ ગંગાજળ છાંટ્યું તે ઘટના દલિતો પ્રત્યે ભાજપની સંકુચિત માનસિકતા દર્શાવે છે. ૨૧મી સદીમાં આ અસ્વીકાર્ય છે અને તેની સખત નિંદા થવી જાઈએ. તેમણે કહ્યું કે શું ભાજપ આ અપમાનજનક કૃત્ય માટે આહુજા સામે કાર્યવાહી કરશે?
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આ સમગ્ર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જ્ઞાનદેવ આહુજાના નિવેદનથી ભાજપની દલિતો પ્રત્યેની દ્વેષપૂર્ણ માનસિકતા અને સંકુચિત વિચારસરણી છતી થાય છે.
તેમણે ટીવટર પર કહ્યું કે ભાજપ નેતૃત્વએ આ માટે રાજસ્થાનની જનતાની માફી માંગવી જોઈએ. આ પ્રકારની નફરતથી ભરેલી રાજનીતિને સમય આવશે ત્યારે લોકો તરફથી યોગ્ય જવાબ મળશે.