બાબરાના કોટડાપીઠા ગામે રહેતા એક પ્રૌઢે લોન ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા. તેમણે વ્યાજ સહિત ડબલ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની કડક ઉઘરાણી કરી, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે હાલ રાજકોટમાં રહેતા મૂળ કોટડાપીઠા ગામના બહાદુરભાઈ રામભાઈ બસીયા (ઉ.વ.૬૫)એ જૂનાગઢના બીલખા ગામના ભગીરથભાઈ રામભાઈ બસીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને મકાનની લોન ભરવા માટે રૂપિયાની જરૂર હોવાથી આરોપી પાસેથી ૨૦૧૬ના વર્ષમાં રૂ.૮,૦૦,૦૦૦ ૪% વ્યાજે લીધા હતા. બાદમાં તેમણે સોનાના ઘરેણાની લોન કરી, રૂ.૪,૦૦,૦૦૦, મકાનની લોન કરી રૂ.૪,૫૦,૦૦૦ તથા પોતાની ઓટો રીક્ષા અને ફોરવ્હીલ ગાડી વેચીને રૂ.૩,૫૦,૦૦૦ તેમજ લક્ઝરી બસ વેચીને રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૮,૦૦,૦૦૦ મુ્‌દ્દલ રકમ કરતા ડબલ રોકડ રકમ રૂપિયા ચુકતે કરી આપી હતી. તેમ છતાં તેમની બાબરા તાલુકાના કર્ણુકી ગામે આવેલી સાડા સાત વીઘા જમીનનો કબજા વગરનો દસ્તાવેજ કરાવી લઇ કિંમતી જમીન પડાવી લીધી હતી. તેમ છતાં તેમની પાસે અવાર-નવાર રૂ.૧૪,૦૦,૦૦ તથા તેના ૪% લેખે વ્યાજની કડક ઉઘરાણી કરી, પૈસા નહીં આપો તો તેમને તથા તેના ભાઇ પથુભાઇને જાનથી મારી નાખવાની ધમકી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.