કોડીનાર તાલુકાના આલીદર ગામે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યારે એક સિંહણે પાંચ વર્ષની માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. જોકે, બાળકીના પિતા અજયભાઈ ગોહિલે પોતાની બહાદુરી દાખવીને સિંહણને મુક્કો મારી પોતાની દીકરીનો જીવ બચાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી તેઓ વન વિભાગને આ વિસ્તારમાં સિંહોની અવરજવર વિશે જાણ કરી રહ્યા હતા, પરંતુ વન વિભાગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી ન હતી. જેના કારણે આ ઘટના બની છે. ગ્રામજનોએ વન વિભાગની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી હતી કે, માનવ લોહી ચાખી ગયેલી સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે.