કોડીનાર તાલુકાના કાજ ગામની આંગણવાડી ખાતે નેહરુ યુવા કેન્દ્ર જૂનાગઢ, તાલુકા કાનૂની સેવા સમિતિ અને આઇસીડીએસ કોડીનારના સંયુક્ત ઉપક્રમે પોષણ પખવાડિયા અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. “સહી પોષણ દેશ રોશન” ના નારા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.વર્કશોપ દરમિયાન પોષણ એટલે શું અને તે શા માટે જરૂરી છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણયુક્ત આહારનું મહત્વ ભારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. કુપોષણને દૂર કરી પોષણયુક્ત બનાવવાના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોને પોષક તત્વોના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોષણ અંગે જાગૃતિ લાવવા માટે પોષણ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીએલવી પ્રકાશ જે. મકવાણા, આંગણવાડી સંચાલિકા વાઢેળ નીતાબેન, વાઢેળ વનિતાબેન, ગોહીલ વનિતાબેન, ઝણકાટ મનીષાબેન તેમજ ગામની મહિલાઓ, બાળાઓ અને નાના ભૂલકાંઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.