કોડીનાર તાલુકાના છાછર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત સરપંચ પ્રતિનિધિ હરીભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર જર્જરિત થઈ ગયું હોવાથી સરકાર દ્વારા લોકોની સુખાકારી જળવાઈ રહે અને આરોગ્યની સારી સુવિધાઓ ઘર આંગણે મળી રહે તેવા શુભ હેતુથી રૂ.૩૦ લાખના ખર્ચે સુવિધાસભર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે છાછર ગામના નાગરિકો ગોવિંદભાઈ મકવાણા, મનસુખભાઈ કાકરેચા, કોડીનાર તાલુકા ટીબી સુપરવાઈઝર અજીતભાઈ ચાવડા અને આરોગ્ય કર્મચારી હસુભાઈ પોપટાણીએ હાજરી આપી હતી. આ કેન્દ્રથી છાછર ઉપરાંત કરેડા, રાજપરા, ગોવિંદપુર, ભંડારીયા અને સુગાળા ગામના લોકોને પણ સુવિધાનો લાભ મળશે.