કોડીનાર ડેપો દ્વારા બાવીસ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી અંબાજી રૂટની બસ સેવા સ્ટાફ શોર્ટેજના બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી હતી. આ બસ સેવા ફરીથી શરૂ કરવા છેલ્લા ઘણા વર્ષોથી સતતપણે રજૂઆત પણ થઈ રહી હતી. પણ બહેરા તંત્રના કાને કોડીનારનો કોઈ અવાજ સંભળાતો જ નથી. તાજેતરમાં સરકાર દ્વારા દરેક એસટી વિભાગને યાત્રાધામ અને પર્યટન સ્થળોને જોડતી બે નવી બસ સર્વિસનો સર્વે કરી શરૂ કરવા બાબતે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી અમરેલી વિભાગ દ્વારા અમરેલી-અંબાજી નવી સર્વિસ શરૂ થવાની વાત વહેતી થતાં આ બસ સેવાને કોડીનારથી સંચાલિત કરવા માટે માગણીઓ કરવામાં આવી હતી. જેમાં કોડીનારના બિનજરૂરી એવા જૂનાગઢ, દીવ, ઉના, વેરાવળના બસ રૂટ બંધ કરી એ રૂટના કિલોમીટર તથા રૂટને અંબાજી સાથે જોડી કોડીનાર-અંબાજી બસ સેવા તરીકે શરૂ કરવા માગણી કરવામાં આવી હતી.