કોડીનારની નગરપાલિકા ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીના દિવસે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ૭ અને આમ આદમી પાર્ટીના ૫ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા, ચૂંટણી પહેલાં જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ચૂંટણી માટે કુલ ૯૬ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં કોંગ્રેસના ૩ અને આપના ૧ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના ૨૮ ડમી ઉમેદવારો પણ નીકળી જતાં, હવે માત્ર ૫૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે. મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે શાબ્દિક ઝપાઝપી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પરિસ્થિતિ વણસતા ચૂંટણી અધિકારીએ થોડા સમય માટે ફોર્મ ચકાસણીની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી અને ઉમેદવારો સિવાયના તમામ લોકોને કેમ્પસ બહાર નીકળી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, જે બાદ કોડીનાર નગરપાલિકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે.