કોડીનારની કોર્ટમાં ચાલતા એક ઘરેલુ હિંસાના કેસમાં યુવાને યુવતી સાથે લગ્ન કર્યાનું બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલતા કોડીનાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ પ્રમાણપત્ર બનાવનાર અને તેમાં મદદગારી કરનાર સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા રજીસ્ટ્રારે કોડીનાર પોલીસમાં ગુનો નોંધવા ફરિયાદ આપી છે. કોડીનારની કોર્ટમાં ક્રિષ્નાબેન ડોટર ઓફ પ્રતાપભાઈ વાઢેળ રે.કરેડા વાળા દ્વારા ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરેલો. જેમાં તેના લગ્ન કોડીનાર તાલુકાના નાનાવાડા ગામમાં રહેતા ધર્મેશભાઈ ઉકાભાઇ સોસા સાથે થયા હોવાનું લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરેલું. જે કેસ ચાલતા દરમિયાન કોડીનાર કોર્ટે આ પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે પ્રાથમિક તપાસ કરવા કોડીનાર પોલીસને સૂચના આપી હતી. જેમાં આ લગ્નનું પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાતા બનાવટી લગ્નનું પ્રમાણપત્ર બનાવનાર અને તેમાં મદદગારી કરનાર તમામ સામે ધોરણસર ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.