‘નેકસ્ટ કેન્ડીડેટ મિસ પૂનમ પાનવાલા ” જાહેરાત થઇ એ સાથે જાબનથી છલકાતો એક બગીચો ઊભો થયો. અને અંદર રહેલા સીસીટીવી જીવંત થઇ ઉઠયા. પૂનમ પાનવાલાની પદ્‌મણી ચાલ યુવાન બોસ અભિજીતની આંખોમાં અંકિત થઇ ગઇ. વેઇટીંગ લોન્જથી ચેમ્બર પચાસ ડગલાં દૂર હતી પણ એ પચાસ ડગલાંની સરકતી ચાલના પંથ ઉપર તો અભિજીતની ‘આહ… અને વાહ…” વારંવાર ઢોળાતી રહી. પંચાવન કિલો જેટલું વજન, ઘાટીલું શરીર, પૂનમના ચાંદ જેવો જ ચહેરો તેની ઉપર મઢેલી હીરા જેવી બે આંખો, લચકતા વળાંકો અને ચહેરા સાથે ગેલ કરતી ઝૂલ્ફો ! અભિજીતને સમાધિ લાગી ગઇ ત્યાં જ જાણે સૂનાં વનમાં ભૂલી પડી ગયેલી કોયલનો ટહુકો થયો: “ મેં આઇ કમ ઇન સર ?” સીસીટીવીમાં ડૂબી ગયેલા અભિની સમાધિ તૂટી. એક અપ્સરા બારણે ડોકાઇને અંદર આવવાનું આમંત્રણ માગી રહી હતી. “વેલકમ મિસ પૂનમ, હું તમારા જ ઇન્તઝારમાં હતો…” પૂનમ ચોંકી ઉઠી ઃ ‘મારા ઇન્તઝારમાં ?’ તેણે પણ હૈયે આવેલા શબ્દો બહાર જ કાઢી નાખ્યા: “સર, આપણાં મળવાનો એવો કોઇ
પ્રિ-પ્લાન તો હતો નહીં. તો પછી ? ” “એ હવે થશે..” અભિ હસ્યો પછી “જસ્ટ કિડીંગ…” કહેતા ઉમેદવારની યાદી બતાવીને કહ્યું: “ મને ખબર હતી કે હવે તમે જ આવવાનો છો.” “થેંન્કસ સર.” પૂનમ ઊભી રહી ગઇ. વારેવારે ચહેરા ઉપર ધસી આવતી અલ્હડ લટોને છેલ્લી બે આંગળીથી કાનની પાછળ ધકેલતી પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ સર્ટીફિકેટ્‌સની ફાઇલ અભિજીત આગળ મૂકતા કહ્યું: “ આ મારી ડિગ્રીઝ, સર્ટીફિકેટ્‌સ છે બી.કોએમ, બી.એ. કર્યું છે. એ સિવાય પવન મોટર્સમાં મારે છ મહિનાનો એકસપિરિયન્સ…” “તમારો એક્સપિરિયન્સ જ તમને કામ લાગશે.” અભિજીત હસ્યો: પણ નોકરી કેમ છોડી ?” પૂનમ નીચું જાઇ ગઇ “સર, એ પૂછો નહીં પ્લીઝ. ” “વ્હાય ?” “ ત્યાં મારા નેચરને અનુકૂળ નહોતું સર. આપ સમજા, યુવાન છોકરીને માટે અત્યારે નોકરી કરવી કેટલી અઘરી છે ? ! પણ મારી મજબૂરી હતી. પપ્પાને શ્વાસનો રોગ છે. નાના ભાઇ – બહેન હજી ભણે છે. મારા મમ્મી આજુબાજુના ઘરોમાં કામકાજ કરવા જાય છે. અને હું…” “ જુઓ, આ મલ્ટીપર્પઝ ડેટા ઓપરેટરની જગ્યા છે. પગાર દસ હજાર પણ મલ્ટીપર્પઝનો મતલબ સમજા છો ને ?” “ના..” પૂનમે ચોખ્ખી ના પાડી એટલે અભિજીતે કહ્યું: “ઓફિસમાં ત્રણ ડિપાર્ટમેન્ટ છે તમને ગમે ત્યાં કામ સોંપવામાં આવશે. મંજૂર હોય તો અત્યારે જ તમને સિલેક્ટ કરી લઉ.” અને પછી પૂનમના શરીર ઉપર નજર ઠેરવતો અભિજીત હસ્યો: “ આમ પણ તમે મારા ઇન્ટરર્વ્યુમાં પાસ થઇ જાવ એવી તમામ લાયકાતો ધરાવો છો જ…” પૂનમે અભિજીતની નજરોને તાગી. એટલે ઊભાર ઉપરથી સ્હેજ સરી ગયેલી ઓઢણી વ્યવસ્થિત કરી લીધી. અભિજીતે પૂછયું: “આર યુ એગ્રી ફોર એઝ મલ્ટીપર્પઝ ઓપરેટર્સ જાબ ?”
“જી સર…” તે ઊભી રહી. અભિજીતે કહ્યું: બેસજા, હું ઇન્ટરર્વ્યુ પૂરા કરી લઉં.” બે કલાકમાં ઇન્ટરર્વ્યુ પુરા’ય થઇ ગયા એટલે અભિજીતે પૂનમને અંદર બોલાવી: “તમારો એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર થાય છે. જાબ આજથી જ ચાલુ. અત્યારે તમારે મારી પાસે બેસવાનું છે. ” પૂનમને પહેલા તો ન ગમ્યું પણ એ અભિજીતને પામવાનો પ્રયત્ન કરતી હતી એટલે તેણે સ્વીકારી લીધું. અભિજીતે તેને કંપનીની તમામ ગતિવિધિ વિશે સમજાવ્યું. વચ્ચે આઇસક્રીમ અને જ્યુસ પણ મંગાવ્યો. પરંતુ બહાર બેઠેલા સ્ટાફમાં ચણભણ થવા લાગી ઃ અરવિંદભાઇને નિકેત કહેતો હતો: “અરૂકાકા, બોસને તો છોકરીના નામનીય એલર્જી છે એમાં આ પૂનમે શું પ્રેમજાળ પાથરી કે ??” અરવિંદભાઇએ કહ્યું: “વિશ્વામિત્રને મેનકાએ પછાડયા. ” “અરે, ભગવાન શિવજી પણ ભીલડીમાં નહોતા મોહ્યા ? યાર, આ તો પામર મનુષ્ય.” ત્રિલોક બોલ્યો.
“કહો ના કહો, પણ છોકરી ઉસ્તાદ નીકળી, બોસને પટાવી લીધા છે.” “અરે, કેટલા વાગી ગયા છે ?” દિવાલ ઘડિયાળ ઉપર નજર જતા જ અભિજીતે કહ્યું: “શિયાળાના છ એટલે તો અંધારૂ થઇ ગયું. ”
“ઇટ્‌સ ઓ. કે. ” પૂનમે કહ્યું: “કોઇ વાંધો નહીં, હું રીક્ષામાં – ” “નો… નો… નો… મારી ઓફિસમાં જાબ કરતી લેડિઝને હું આમ એકલી ન છોડી શકું, ચાલો હું તમને ઘરે મૂકી જાઉ.” પૂનમ ના પાડતી રહી પણ અભિજીત તેને ઘર સુધી મૂકવા આવ્યો. સામે દેખાતા ત્રણ માળિયાના ખૂણે પૂનમે રીકવેસ્ટ કરતા કહ્યું “સર, પ્લીઝ અહીં ઉતારી દો, નહીંતર મારી વાતો થશે. ” “ઇટ્‌સ ઓ.કે. ” અભિજીતે તેને ઉતારી દીધી અને ઘરે જઇને પહેલું કામ ‘ પવન મોટર્સ’ માં જાબ કરતા તેના દોસ્ત નિસર્ગને ફોન કરી પૂનમ વિશે માહિતી મેળવી લીધી. અઠવાડિયામાં પૂનમ સેટ તો થઇ ગઇ પણ તેની અને અભિજીત વિશે સ્ટાફમાં ચણભણ થવાની શરૂ થઇ તે બાબત સ્ટાફના તેના તરફના વર્તનથી જાણવા મળી. પણ “કૂછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના.” માનીને મન મનાવ્યું.
પંદરેક દિવસ પછી એક શનિવારની રાત્રે અભિજીતનો મેસેજ આવ્યો: “ આર યુ ફ્રી ઓન ટુમોરો ?”
પૂનમ વિચારતી થઇ ગઇ. બોસ કોઈ દિવસ રાત્રે મેસેજ કરતા નથી તેને બદલે અત્યારે મેસેજ ? “ યસ સર શું કામ હતું ?” તેણે રિપ્લાય આપ્યો “ કામ તો નહોતું પણ તમારી કંપની જાઈતી હતી…” આગળ લખ્યું હતું: ” મેકસેસમાં મસ્ત પિકચર આવ્યું છે. તું કંપની આપે તો જાવા ચાહુ છું. એકલાં તો બોરીંગ થઇ જઇશ. ”
“બટ સર… સ્ટાફમાંથી કોઇ જાઇ જશે તો ?” તેણે આગળ લખ્યું: “ અને હું મારી બાવીસ વરસની લાઇફમાં મમ્મી – પપ્પા સિવાય કોઇ સાથે પિકચર જાવા નથી ગઇ.”
“ડોન્ટ વરી ધેટ્‌સ ફાઈનલ: તું કાલે મારી સાથે આવે છે. હું તને શાર્પ બે વાગ્યે તારા ઘરના કોર્નર ઉપર લેવા આવીશ ઓ.કે. ? ” પૂનમથી નિઃશ્વાસ નખાઇ ગયો મજબૂરી કેવી હોય છે. તેને લખવું પડયું : “ જી સર.” અને બરાબર અઢી વાગ્યે અભિજીત આવીને તેડી ગયો. અંધારામાં અભિજીત એવી કોઇ ચેષ્ટા કે હરકત કરશે તો ? તે ડરી રહી હતી. આખરે પિકચર પૂરૂં થયું ને પૂનમને હાશ થઇ. અભિજીતે એક ક્ષણ તેનો હાથ પકડીને કહ્યું: “થેન્કસ ફોર ગીવ મિ યોર લવલી કંપની.” અને પછી હાથ છોડી દીધો. પૂનમ તેને જાઇ રહી. દિવસો પસાર થતા હતા ને એક દિવસ મોબાઇલમાં ‘ટિણીંગ’ કરતો મેસેજ પડયો. સહજ પણે પૂનમે મોબાઇલ હાથમાં લીધો, અને ?? પણ આ મેસેજ નહોતો પણ ધડાકો હતો. અભિજીતે લખ્યું હતું: “ એક રાત માટે તું… હોટલ હેવન, કાલે હું તારો ઇન્તઝાર કરીશ. રૂમ નં. ત્રણસો ત્રણ સમય રાત્રીના દસ. !!
“અંતે તું તારી ઔકાત પર ગયો ? સાલ્લા રાસ્કલ…” પૂનમને પ્રથમ ગુસ્સો આવ્યો પછી આંખ ચૂઈ પડી. દુનિયા કેવી નીચ છે ? આજે તેને ફરી એકવાર સમજાયું. સવારે ઓફિસ ખૂલતા વેંત જ તે ચેમ્બરમાં ધસી ગઇ.: અભિજીત મંદ મદ હસતો બેઠો હતો કે તેણે ચીસ નાખીને કહ્યું: “દરેક પુરૂષના મનમાં એક શેતાન વસે છે. મારી મજબૂરી હતી કે અત્યાર સુધી શાબ્દિક અડપલા મે સાંખી લીધા, મારા શરીર સામે નજર ફેરવતા હતા તે સાંખી લીધું. તમે મને પરાણે ગાડીમાં પડખે બેસાડીને મૂકવા આવતા હતા સાંખી લીધું, પિકચર જાવા પણ સાથે લઈ ગયા એ પણ સાંખી લીધું કારણ ? એ મજબૂરી હતી પણ છેલ્લે તમે તમારી ઔકાત બતાવી જ દીધી. મિ. અભિજીત તમારી સાથે હોટલમાં સૂવા આવી શકું એવી છોકરી હું નથી. પગાર તો આછોપાતળો ગમે ત્યાં મળી જશે પણ મારી ખોવાઇ ગયેલી ઇજજત મને નહીં મળે. હવે એવી મલ્ટીપર્પઝ છોકરી શોધજા જે તમારા દરેક ‘કામ’ માં તમને સાથે આપે.” ત્યાંને ત્યાં જ રાજીનામુ આપી ખુમારીપૂર્વક બહાર નીકળી ગઇ. ઘરે આવીને મા આગળ રોઇ પડી. માએ તેને પાંખમાં લઇ લીધી: “ તે જે કદમ ભર્યું એ એકદમ બરાબર છે દીકરી, રૂપિયાની નોટું તો કાગળની પસ્તી છે. આપણી સાચી દોલત આપણું શીલ છે. પણ તું ચિંતા ન કરીશ, ભગવાન બધો જ મેળ પાડી દેશે !! ” પણ પૂનમનું દર્દ ઓછુ થયું ન હતું. સાંજ પડી, ત્યાં જ દરવાજે ટકોરા થયા. પૂનમના મમ્મી હર્ષાબેને દરવાજા ખોલ્યો તો કોઇ સારા ઘરની ગૃહિણી જેવા પ્રૌઢ બહેન ઉભા હતા.
“ કવિતા.. અભિજીતની મમ્મી.” પણ દરવાજે ઊભેલા કોઇ પ્રૌઢા અને અભિજીતનું નામ સાંભળી પૂનમ દોડી આવી. કવિતાબેને તેને એક જ ક્ષણમાં માપી લીધી. અને તેના હોઠ ઉપર મંદ સ્મિત આવી ગયું. તેણે હસીને કહ્યું: “અંદર નહીં આવવા દો ?”
“અરે, આવો…. આવોને…” હર્ષાબેન હટી ગયા કે પૂનમે મમ્મીના કાનમાં કશુંક કહ્યું. હર્ષાબેને હવે કવિતા તરફ ધારદાર નજરે તાકી રહ્યા કે કવિતાએ કહ્યું: “હું મારી એકલીની જ અંદર આવવાની રજા નથી માંગતી પણ મારો દીકરો પણ બહાર ઊભો છે.. ” પછી હર્ષાબેનના જવાબની આશા રાખ્યા વગર જ કહ્યું: “અભિ, અંદર આવતો રહે.” એ ભેળો જ અભિજીત અંદર આવ્યો અને પૂનમના તેવર ફરી ગયા. કવિતાએ હસીને બે હાથ જાડીને કહ્યું: “આ મારો દીકરો અભિજીત અને પૂનમનો સાહેબ, પણ હવે એ પૂનમનો સાહેબ બનીને નથી આવ્યો પણ, આપ જા ઇચ્છો તો પૂનમનો સાજન બનીને આવ્યો છે. હા, અત્યાર સુધી લગ્ન કરવા રાજી જ નહોતો. તેના દિલને તમારી દીકરીએ રાજી કરી દીધું છે. મીડલ કલાસમાંથી જ કોઇ સંસ્કારી છોકરીની શોધ કરતા મારા દીકરાની શોધ પૂનમ પાસે પૂરી થાય છે. અમારે કરિયાવર, જર-જવેરાત કે દાયજા નથી જાતા બસ, મારા દીકરાને તમારી દીકરી ગમી ગઇ એટલે પૂરૂં, હા, મારા દીકરાએ તેને ચકાસવા ચારેકોરથી તેની પરીક્ષા લીધી અને એમાં એ ફુલ્લીપાસ થઇ. હવે તમારી દીકરીનો પરીક્ષા લેવાનો વારો છે. એ મારા દીકરાને પાસ કરશે ? ”
એનો જવાબ હર્ષાબેન તો શું આપે ? જવાબ તો પૂનમના મધઝરતા હોઠ અને તોફાની આંખો આપી રહી હતી !!!