ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૫માં આજે સનરાઈધર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદના ધૂરંધરો ફ્લોપ સાબિત થયા હતા. મેચમાં કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને ૨૦૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ પૂરી ૨૦ ઓવર પણ રમી શકી નહોતી અને ૧૨૦ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ એસઆરએચ સામે કેકેઆરએ ૮૦ રને ભવ્ય જીત મેળવી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સની આ સિઝનમાં બીજી જીત છે, જ્યારે હૈદરાબાદે પોતાની ત્રીજી મેચ ગુમાવી છે.
જણાવી દઈએ કે, પહેલા કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું હતુ. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડીયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે રાજસ્થાન સામે શરૂઆતની મેચમાં જીત મેળવી હતી. પરંતુ લખનઉ સુપર જાયન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ ગુમાવી હતી. હવે વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. તેણે પાવર પ્લેમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઓવરમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા ટ્રેવિસ હેડ ૪ રન બનાવી વૈભવ અરોડાના બોલનો શિકાર થયો હતો. ત્યાર બાદ અભિષેક શર્માને હર્ષિત રાણાએ આઉટ કર્યો. વૈભવ અરોડાએ પોતાના બીજી ઓવરમાં ઈશાન કિશનને આઉટ કરી હૈદરાબાદની ટીમે મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
નીતિશ કુમાર રેડીએ (૧૯) ટીમ માટે આશા જગાવી હતી, પરંતુ તેને પણ આંદ્રે રસલે તેને ચાલતો કર્યો હતો. કામિન્દુ મેન્ડીસે ૨૭ રન બનાવ્યાં હતા. તેને સુનીન નરેને આઉટ કર્યો હતો. ત્યાર બાદ અનિકત વર્મા ૭ રન બનાવીને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના બોલ પર આઉટ થયો હતો.
કોલકાતાની જીતનો પાયો અંગકૃષ્ણ રઘુવંશીએ રાખ્યો હતો, જેણે ૩૨ બોલમાં ૫૦ રનની ઇનિંગ રમી હતી અને કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ૮૧ રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યાર બાદ વેંકટેશ અય્યર અને રિંકુ સિંહે બાજી સંભાળી હતી. અય્યરે ૨૯ બોલમાં ૬૦ રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે ૧૭ બોલમાં અણનમ ૩૨ રનની ઇનિંગ રમી. તેણે કોલકાતાને ૨૦૦ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.