(એચ.એસ.એલ),આણંદ,તા.૨૬
ખંભાત નગરપાલિકાના ૮ કાઉન્સલરોએ રાજીનામા આપ્યા છે. ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત ૮ કાઉન્સલરોએ રાજીનામા આપતાં ખળભળાટ મચી ગયો છે. ચેરમેને કોઈપણ માહિતી વિના બીલ ચૂકવી દેતાં મામલો ગરમાયો હતો. પાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શાસક પક્ષના ૨૨ સભ્યોમાંથી ૮ સભ્યોએ રાજીનામા આપ્યા હતા.જેમાં ભાજપના ૬ સભ્યો અને ૨ અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે.ખંભાત નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમાયું છે. પાલિકાના વર્તમાન ચેરમેન દિગ્વજયસિંહ પરમારની કામગીરીથી સભ્યોની નારાજગીના કારણે છેલ્લા કેટલાક સમયથી મોટા વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદો આજે ચરમસીમાએ પહોંચતા ખંભાત નગરપાલિકાની આવતીકાલે મળનારી બોર્ડ મીટીંગ પૂર્વે ભાજપના છ અને બે અપક્ષ કાઉન્સીલરોએ રાજીનામા આપી દેતા ખંભાત શહેરના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.સત્તાપક્ષના ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, કારોબારી ચેરમેન જીતેન્દ્ર ખારવા, હેતલબેન કરશનભાઈ ભીલ, નિશાદબાનું મો. સોએબ મન્સૂરી, સુનિતાબેન રાજુભાઈ વાઘરી, શાંતાબેન ભૂપતભાઈ માછી, તેજલબેન સાગરકુમાર સોલંકી, કામિનીબેન હિરેનભાઈ ગાંધીએ રાજીનામાં આપ્યા છે.