સમગ્ર રાજયમાં યુવતીઓ અને સગીરાઓની છેડતી અને દુષ્કર્મનાં કિસ્સાઓ વધવા પામ્યા છે. યુવતીઓ પણ યુવક પર વિશ્વાસ મૂકી પોતાના અંગત ફોટા પાડવા દઈ બાદમાં પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે.
આવો જ એક બનાવ ખાંભા તાલુકાના જામકા ગામે રહેતી એક યુવતી સાથે બન્યો છે. યુવતીએ આખરે કંટાળી પોતાને પજવણી કરનાર યુવક સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભારતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાને આરોપી હમીર ભુપતભાઈ બારૈયા જે પોતાના જ ગામનો હોય તેમની સાથે એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો. ફરિયાદીના બિભત્સ ફોટાઓ તેમના મોબાઈલમાં પાડેલા હતા ત્યારબાદ ફરિયાદી યુવતીનાં માતા-પિતાએ યુવતીની સગાઈ પચપચીયા ગામે કરી દીધેલ હતી. આ વાતની જાણ કરી યુવતીએ આરોપી હમીરને સમજાવેલ પરંતુ આરોપી સમજેલ નહી અને યુવતીની સગાઈ તોડાવી નાખેલ હતી. ત્યારબાદ યુવતીનાં પરિવારે યુવતીની ફરીવાર સગાઈ તાલડા મુકામે કરતા આરોપી યુવતી અને તેનો પરિવાર વાડીએ જતાં હતા ત્યારે આડા રસ્તે ઉભો રહી કહેવા લાગેલ કે તારે મારી સાથે જ લગ્ન કરવાના છે.
બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો હું દવા પી જઈશ અને તારા ડેલામાં બીજા કોઈની જાન નહીં આવવા દઉં. તાલડા ગામે તે સગાઈ કરેલ છે તે તારા મંગેતરને ફોટા બતાવી ફરી સગાઈ તોડાવી નાખીશ. યુવતીએ આરોપીની વાતમાં ધ્યાન ન આપતા આરોપીએ તેનો પીછો કરી, હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કરતા યુવતીએ આરોપી સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.