ખાંભાના જામકા ગામે એક મહિલાએ ૪૦ વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. જેમાં એક પુરુષનો હાથ હોવાની આશંકામાં મૃતક મહિલાના પુત્રએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે પુનાભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.વ.૫૫)એ ખોડાભાઈ ભોળાભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીના માતાએ આજથી ચાલીસ વર્ષ પહેલા પોતાની મેળે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
જેમાં તેમનો હાથ હતો તેવી ખોટી શંકા આરોપીએ કરી અને તેનું મનદુઃખ રાખી તેઓ પોતાની વાડીએથી ઘરે બળદગાડું લઇને આવતા હતા ત્યારે બાલાભાઇ મેઘાભાઇ રાઠોડના ઘર પાસે પહોંચતા ધારીયાના ઘા મારી મુંઢ ઇજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ખાંભા પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.આઈ આર.એમ.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.