(૧) જૂનો થાય નહીં, ભીનો થાય નહીં, કપાય નહીં એ શું ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
હું પ્રધાનમંત્રી બનું ત્યારે તમને ઉખાણામંત્રી બનાવવા છે!
(૨) લગ્નમાં જમવા જાય ત્યારે બધા ધક્કામુક્કી કેમ કરતાં હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
કસરત થાય તો વધારે ભૂખ લાગે.
(૩) તમે ક્યાંય જમવા જાઓ ત્યારે સૂપ પીવો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ના, સૂપ પીઉં તો મારી ભૂખ જતી રહે છે.
(૪) સાહેબ..! તમને ગુસ્સો ક્યારે આવે?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
અત્યારે ચાલુ જ છે.
(૫) સાચો પ્રેમ કઈ ઉંમરે થાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા )
ખોટા પ્રેમની ઉંમર પૂરી થાય એના બીજા દિવસથી.
(૬) ગ્રાહક વેપારીને બોણીમાં રોકડા રૂપિયા આપે ત્યારે ચલણી નોટને બન્ને આંખે -મોઢે -છાતીએ અડાડીને વંદનપૂર્વક રૂપિયા ગલ્લામાં મૂકે છે; ઓનલાઇન ટ્રાન્સફર કરે ત્યારે શું કરવાનું ? – કનુભાઈ પરમાર (દામનગર)
એ જાણવા માટે તમે મને એક હજાર રૂપિયા ઓનલાઈન મોકલો. હું જે કરીશ એનો ફોટો પાડી ને તમને મોકલીશ.
(૭) IPL શરૂ થઈ ગઈ છે તમે મેચ જોવા માટે જવાના હો તો તમારા વાચકોને લઈ જશો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
હું તો વાચકો વચ્ચે ક્રિકેટ મેચ ગોઠવી એમાં આઈ.પી. એલ. વાળા ખેલાડીઓને મેચ જોવા બોલાવવા માગું છું.
(૮) ‘‘હરિ એ જ વિષ્ણુ’’…હરિ જેનું નામ હોય એનું નામ લ‌ઈને બોલાવે એનું તો કલ્યાણ થ‌ઈ જતું હશે ને?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
પ્રશ્ન એ છે કે હરિ જેનું નામ હોય એણે કોનું નામ લેવું? કલ્યાણનું?!
(૯) પ્રેમીને ચાંદમાં જ પ્રેમિકાનું મુખ દેખાય છે, સૂર્યમાં કેમ નહિ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ચંદ્ર બિચારો વિરોધ ન કરે એટલે. સૂર્યનું નામ લેય તો એ ભૂક્કા કાઢી નાખે.
(૧૦) આ વેકેશનમાં ફરવા જવા અંગે શું વિચારો છો?
જય દવે (ભાવનગર)
દર વખતની જેમ આ વખતે પણ અમેરિકા, યુરોપ વગેરે સ્થળોએ જવાની ઈચ્છા નથી.
(૧૧) લેખકને પ્રેમિકા છે કે હતી ?
હરપાલસિંહ સોલંકી (કંબોઇ ચાણસ્મા)
હશે.
(૧૨) પાંચ વાગે એટલે બધી ઘડિયાળમાં પાંચ વાગ્યા એમ જ બતાવે છે. ઘડિયાળને એ કેમ ખબર પડી જતી હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
રોજની ટેવ હોય એટલે ન વાંધો આવે.
(૧૩) ફ્રીજ ગરમ થઈ જાય છે તો શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
બરફમાં મૂકો.
(૧૪) ટ્રેનને પાટા પરથી ઉતરી સડક પર ચાલવાનું મન નહી થતું હોય?
નીરવ ડણાંક (અમરેલી)
ટ્રેન ગયા જન્મમાં રોડ પર ચાલતું વાહન જ હતી. ખાડા પર ચાલીને કંટાળીને જ એણે ટ્રેન તરીકે જન્મ લીધો.
(૧૫) ખાડા અને ખાબોચિયામાં શું તફાવત?
પાર્થ દવે (અમદાવાદ)
ખાડો એ ભૂતપૂર્વ ખાબોચિયું છે અને ખાબોચિયું એ ભાવિ ખાડો છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..