માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાનો દર ઘટીને ૨.૦૫ ટકા થયો. ફેબ્રુઆરીમાં તે ૨.૩૮ ટકા હતો. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ વાતની પુષ્ટિ થઈ છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ધીમી વૃદ્ધિને કારણે માર્ચમાં ભારતનો જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો, એમ આંકડા દર્શાવે છે. જાકે, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વાર્ષિક ધોરણે વધ્યો છે. માર્ચ ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવાનો દર ૦.૨૬ ટકા હતો.
ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “માર્ચ ૨૦૨૫ માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, અન્ય ઉત્પાદન, ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.”
જથ્થાબંધ ભાવ સૂચકાંકના ડેટા અનુસાર, ખાદ્ય ફુગાવો માર્ચમાં ઘટીને ૧.૫૭ ટકા થયો છે જે ફેબ્રુઆરીમાં ૩.૩૮ ટકા હતો. આ સમયગાળા દરમિયાન, શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. આ મહિને શાકભાજીના ભાવમાં ઘટાડો ૧૫.૮૮ ટકા રહ્યો, જે ફેબ્રુઆરીમાં ૫.૮૦ ટકા હતો.
જાકે, માર્ચમાં ઉત્પાદિત ઉત્પાદનો માટે જથ્થાબંધ ફુગાવો વધીને ૩.૦૭ ટકા થયો હતો જે ફેબ્રુઆરીમાં ૨.૮૬ ટકા હતો. માર્ચમાં ઇંધણ અને વીજળીમાં પણ વધારો જાવા મળ્યો અને ફુગાવો ૦.૨૦ ટકા રહ્યો, જ્યારે ફેબ્રુઆરીમાં ડિફ્લેશન ૦.૭૧ ટકા હતું.