ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીતીને ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે.ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી, ટીમ એકસાથે ભારત પરત ફર્યા, પરંતુ આ વખતે ટીમના સભ્યો અલગ અલગ શહેરોમાં ઉતર્યા છે. કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયર મુંબઈ એરપોર્ટ પર જાવા મળ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી ચેન્નાઈ પહોંચ્યા હતા. તેવી જ રીતે, મુખ્ય કોચ ગૌતમ ગંભીર દુબઈથી દિલ્હી પહોંચ્યા. આ ખેલાડીઓના પોતાના વતન પહોંચવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું અને ૧૨ વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે ૨૫૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતે એક ઓવર બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૫૧ રન બનાવ્યા. જવાબમાં, ભારતે ૪૯ ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. રોહિતે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી. તેણે ૭૬ રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. આ ભારતની સાતમી આઇસીસી ટ્રોફી છે. આ પહેલા, ટીમે ૧૯૮૩ અને ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ, ૨૦૦૭ અને ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૦૨, ૨૦૧૩ અને ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અપરાજિત રહ્યું. તેણે સતત પાંચ મેચ જીતી.
ભારતીય ટીમના અન્ય એક ઓલરાઉન્ડર અક્ષર પટેલ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. ખિતાબ જીત્યા પછી આ ચેમ્પિયન ખેલાડીઓ જ્યાં પણ ઉતર્યા, દેશના વિવિધ શહેરોમાં ચાહકોની વિશાળ ભીડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કેપ્ટન રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયર પણ મુંબઈ એરપોર્ટ પર જાવા મળ્યા. આ પહેલા કોચ ગૌતમ ગંભીર દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા.
ભારતીય ટીમના ખિતાબ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ કહ્યું કે, ભારતના લોકોની પ્રાર્થના અને આશીર્વાદને કારણે આ શક્ય બન્યું છે. ભારતીય ટીમ જે રીતે રમી, અમે આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યા. બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. મને ખાતરી છે કે ટીમ ભવિષ્યમાં પણ આ પ્રકારનું પ્રદર્શન કરતી રહેશે.