(એ.આર.એલ),ખેડા,તા.૧૬
વસો તાલુકામાં બાળકીઓ સાથે દુષ્કર્મ કેસના આરોપીને નડિયાદ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી ચંદ્રકાંત પટેલને નડીયાદની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોક્સો કોર્ટે આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.વિકૃત માનસિકતા ધરાવનાર આધેડ એવા ચંદ્રકાંત પટેલે પોતાના પડોશમાં રહેતી માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એક વર્ષમાં તેણે અલગ અલગ સમયે ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે. તેમજ એક બાળકીને અડપલા કર્યા હોવાનો આરોપ છે. એક બાળકીને અડપલા કરતા તેણીની માતાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત સામે આવી હતી. ચોકલેટ અને બિસ્કીટની લાલચ આપી દીકરીઓને તે પોતાના ઘરે લઈ જતો હતો.
આરોપીએ એકથી વધુ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરી મોબાઇલમાં તેના વિડીયો પણ ઉતાર્યા હતા. જે વીડિયો બતાવી બાળકીઓને બ્લેકમેલ કરતો હોવાના પણ પુરાવા પોલીસને મળ્યા છે. જેને લઈ પોલીસે આ સિવાય બીજા કેટલા મોબાઈલમાં વીડિયો છે, કોઈ મોબાઈલ સંતાડી રાખ્યા છે, વિડીયો રિકવર કરવા, કોઈ માધ્યમથી વીડિયો શેર કર્યા છે કે કેમ તે તમામ કડીઓ પુરાવા પોલીસે એકત્ર કરવાના હોઈ તેના રિમાન્ડ માંગી તપાસ હાથ ધરાઈ છે.સરકારી વકીલ પ્રેમ તિવારીએ જણાવ્યું કે, વસો પોલીસે આરોપી ચંદ્રકાંત વિરુદ્ધ ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા આરોપીના ૧૯ ઓક્ટોબર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ભોગ બનનાર દીકરીઓ સાથે દુષ્કર્મ આચરતો અને પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતો હતો. એ વિડીયો પોતાના મોબાઈલમાં સેવ કર્યા બાદ પણ આ બાળકીઓને બતાવીને બ્લેકમેલિંગ કરતો હતો, એવા પણ પુરાવા પોલીસને મળેલા છે.