જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું એ શિક્ષકના વ્યવસાય તરફ મારું જીવન આગળ વધી રહ્યું હતું. એમ.એ.બી.એડ ડિગ્રી મળ્યા પછી એવું લાગતું હતું કે હવે હું લેક્ચરર કે શિક્ષક તો બની જ જઈશ. મને કોઈ રોકી શકશે નહીં પણ એવું ન બન્યું. રિજેક્શનનો સામનો ઘણા બધા પરિબળોને કારણે કરવો પડ્યો. ઘણી શાળાઓમાં શિક્ષક માટે ઇન્ટરવ્યૂ આપવા છતાં પણ ક્યાંય સફળતા ના મળી. શિક્ષક તરીકે અનુભવ મેળવવા માટે મહિને રૂ.૩૦૦ માં પણ નોકરી કરી હતી અને યુપીએસસી પ્રયત્નોની સંખ્યા વધતી જતી હતી. આમ જીવનમાં એટલું ભણ્યા પછી કશું જ નથી મળ્યું એવું લાગવા માંડ્યું હતું.
મે ફરી એ જ મિત્ર પ્રકાશ ભાવસાર કે જે લગ્ન પ્રસંગમાં વીડિયો કેમેરાને લાઇટમેન તરીકે કામ આપતા હતા તેમના અંબિકા લેમીનેશન બિઝનેસમાં ૮૦૦ રૂપિયા પગારમાં નોકરી શરૂ કરી સાથે સાથે ઘરે પંદરસો રૂપિયાનો પગાર છે એવું જૂઠું બોલીને લગ્નજીવન પણ શરૂ કર્યું હતું. અહી વાંચવાની અને અભ્યાસ કરવાની મને છૂટ મળતી હતી. પરીક્ષામાં રજા પણ આપતા હતા. આમ હું જીપીએસસી વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા આપવા તૈયારી કરવા લાગ્યો. મુંબઈ બોર્ડની પરીક્ષા પાસ કરી. જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી અને PGT (GEOGRAPHY) શિક્ષક તરીકે કઠલાલ અને નવોદય વિદ્યાલય ડુમરા કચ્છમાં પણ કાર્ય કર્યું હતું. આ દરમિયાન કચ્છના પ્રિન્સિપાલ એસ.કે. શર્મા અને કઠલાલના ટેકાલે દ્વારા પણ મને જીવન ઘડતરનો પાયો મજબૂત કરવામાં તક મળતી રહી. નવોદયમાં હતો તે દરમિયાન રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષકની વિદ્યા સહાયક ભરતીમાં કચ્છના અંતરીયાળ બન્નીના મીઠાના રણ વિસ્તારમાં હોડકો પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી હતી. નવા યુગની શરૂઆત પ્રથમ દિવસથી મુખ્ય શિક્ષકની ઉપાધિથી શિક્ષણ અને વહીવટ સાથે થઈ. એ જ વર્ષમાંથી સ્ટેટ રિસોર્સ ગ્રુપ (SRG) ની પરીક્ષા સામાજિક વિજ્ઞાનમાં પાસ કરી. ઇડરથી પ્રેરણાધામ જૂનાગઢથી સફર શરુ કરી એન.સી.એફ અભ્યાસક્રમ, ભાર વિનાનું ભણતર RTE ૨૦૦૯ વિવિધ વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. જેમાં GCERTનાં ડાયરેક્ટર નલીન રવિન્દ્ર દવે પંડિત, પી.ટી. પંડ્‌યા, ટી.એસ. જોષી ડો.સુબીર શુક્લા જેવા નામાંકિત શિક્ષણશાસ્ત્રી સાથે કામ કરવાની તક મળી. કેળવણીકારો સાથે વિચાર-વિમર્શ અને સંવાદ શરૂ થયા ગુજરાતના ધોરણ ૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાનના પાઠ્‌યપુસ્તકોના લેખક તરીકે તક મળી અને પ્રવૃત્તિ આધારિત સ્વાધ્યાયપોથી અને પુસ્તકોની રચનામાં ઊંડાણથી કામ કર્યું.તેજ વર્ષે જીપીએસસી વર્ગ- ૧ અને વર્ગ-૦૨ની પરીક્ષામાં સફળતા ૧૧ માર્કસથી દુર રહી. ડાયટ ભુજ અને GCERTનાં માધ્યમથી બાયસેગ દ્વરા ટી.વી. પર ઓન એર લાઈવ દૂરવર્તી શિક્ષણનો લાભ છેવાડાનાં વિદ્યાર્થીઓને પણ આપ્યો. આચાર્ય સી.આર.સી.ની ભૂમિકા પછી અને નેતૃત્વના પાઠ શીખવા એ જ વર્ષમાં HTATની પરીક્ષા પાસ કરી અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગોકળપુરા પ્રાથમિક શાળામાં હેડ ટીચર તરીકે કાર્ય કર્યું. એ દરમિયાન ગાંધીનગર સાથે બાયસેગના માધ્યમથી દૂરવર્તી શિક્ષણના સામાજિક વિજ્ઞાનના એકમ ભૂગોળના પાઠ આપવાનું પણ કામ કર્યું. અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય કર્યું. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષાની કામગીરી પણ કરી. ૨૦૧૭માં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ- ૦૨ ની જીપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષા ઉતીર્ણ કરી બોટાદ જિલ્લામાં આચાર્ય વર્ગ -૨ અને શિક્ષણ નિરીક્ષક વગેરે વધારાના હવાલાઓ સંભાળ્યા. ત્યાં આગળ ગુજરાત જાહેર સેવા આયોગ અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની કામગીરી પણ કરી. એકંદરે બોટાદમાં સંઘર્ષમય જીવન રહ્યું. બોટાદ જિલ્લામાંથી તારીખ ૨૯/ ૧૧ /૨૦૧૯ ના રોજ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં સરકારી માધ્યમિક શાળા અપ્રુજી મુકામે બદલી થતા ત્યાં શાળાની ભૌતિક સુખ સગવડતાઓ, ભાવાવરણ, વાતાવરણ તેમજ ડિજિટલી ક્રાંતિ માટે પ્રયત્નો કર્યા. ખેડા જિલ્લામાં યોજાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષાઓમાં સક્રિય ભાગીદારી રૂપ કામ કર્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમમાં સારી રીતે કામ કરી જિલ્લાનું નામ પણ આગળ આવે તેવા કામ કર્યા હતા. ત્યારબાદ તા.૧૩ /૧૦ /૨૦૨૨ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે મારી બદલી થતાં સમગ્ર જિલ્લાની તમામ શાખાઓમાં કાર્ય કર્યું. જિલ્લાનું તમામ પ્રકારનું કામ હાથમાં લઇ અને સારી રીતે શિક્ષકો, આચાર્યો તેમજ સંચાલક મંડળો સાથે પૂરેપૂરો રસ લઈને કામ કર્યું. ખેડા જિલ્લાની યશકલગીમાં પીછું ઉમેરાય તેવા શિક્ષણના શ્રેષ્ઠ કાર્યો કર્યા. રાજેશભાઈ સુમેરા સાહેબ બાહોશ અધિકારી છે. તેમનો સૌમ્ય અને પ્રેક્ટીકલ સ્વભાવ અનેક લોકો માટે દીવાદાંડી સમાન પુરવાર થયો છે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨