લેઉવા પાટીદાર આગેવાન અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાની ઘટના સામે આવી હતી. જૂનાગઢ એસઆરપીના પીઆઇ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ અને સરદારધામ વચ્ચેનું કોલડવોર સામે આવ્યું. ભોગ બનનાર જયંતિ સરધારાએ હોસ્પિટલના બિછાને થી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લેતા વિવાદ વકર્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ હુમલાની ઘટનાને વ્યક્તિગત ગણાવી હતી. ખોડલધામ ટ્રસ્ટને આ ઘટના સાથે કોઈ લેવા દેવા ન હોવાનું કહીને છેદ ઉડાવી દીધો હતો. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને તેમને પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ ચાલતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે નરેશ પટેલ વિદેશથી રાજકોટ ફરીને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરશે.
સમગ્ર મામલે જયંતિ સરધારા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જેમાં જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયા દ્વારા હથિયાર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તાલુકા પોલીસે પણ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. આ ફરિયાદ નોંધાયા બાદ ખુલાસો એ થયો હતો કે, સંજય પાદરીયા તો ઓફિશિયલ રજા પર હતા અને તેને કારણે તેનું હથિયાર પોલીસમાં જમા હતું. સંજય પાદરીયા પાસે હથિયાર જ નહોતું તો પોલીસે હથિયારનો હ્લૈંઇ માં કઈ રીતે ઉલ્લેખ કર્યો તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે
ખોડલધામ ટ્રસ્ટ વર્ષોથી લેઉવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃતિઓની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ પણ ચલાવે છે. જેમાં જીપીએસસી અને યુપીએસસી સહિત સ્પર્ધાત્મક કલાસ ચલાવે છે. જોકે બે વર્ષ થી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરી છે. સરદારધામ ટ્રસ્ટમાં લેઉવા અને કડવા બન્ને સમાજના આગેવાનો જોડાયા છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેઉવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતી સરધારા પણ સરદારધામ સાથે જોડાયા અને ૮ મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની છે.
પાટીદાર અગ્રણીઓ પાસેથી માહિતી મુજબ, સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ બનવા માટે ૨૫ લાખથી ૫૦ લાખ સુધીના દાન આપવામાં આવે છે. જે જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પરથી દાનની રકમો બોલવામાં આવે છે. ટ્રસ્ટીઓ બનાવવા આર્થિક લાભ દરેક સામાજિક સંસ્થાઓ લેતી હોય છે. સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરતાં ટ્રસ્ટીઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સરદારધામ સાથે જે લોકો જોડાય છે તેઓ ક્યાંક ખોડલધામથી નારાજગી ધરાવતા હતા. એટલું જ નહીં ખોડલધામ ટ્રસ્ટમાં
નવા ટ્રસ્ટીઓ જોડાવાને બદલે જે ટ્રસ્ટીઓ છે તેમાં પણ ભાગ પડી રહ્યો છે. સરદારધામના ટ્રસ્ટીઓ દાતાઓને ખોડલધામને બદલે સરદારધામ તરફ વાળી રહ્યા છે, તેને કારણે ખોડલધામને આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે. જોકે સામાજિક સંસ્થાઓ ભલેને સામાજિક કાર્યના દાવાઓ કરતી હોય પરંતુ આર્થિક નુકસાન કોઈને થાય તે પોસાય નહિ.
સરદારધામના ટ્રસ્ટી શર્મિલા બાંભણીયા આ હુમલાની ઘટનામાં ખુલીને ખોડલધામ ચેરમેન નરેશ પટેલને ટાર્ગેટ કરી રહ્યા છે. શર્મિલા બાંભણીયાએ કહ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. પીઆઇ સંજય પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ પાણી પીવે છે. રાજ્યના ગૃહમંત્રીએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ. કોઈ એક જ વ્યક્તિનું સમાજમાં વર્ચસ્વ હોઈ તેવું ન ચાલે. સરદારધામ અનેક સેવાકીય કાર્ય સાથે આગળ વધી રહ્યું છે
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા મામલે નવો વળંક આવ્યો છે. ૮ મહિના પૂર્વે સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા બન્યા છે. પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન આઈસ્ક્રીમ કાઉન્ટર પાસે જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં ‘ખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કઈ ઉકળતું નથી’ સહિતના વિધાનો કહેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. જે ટિપ્પણી બાદ પી.આઈ સંજય પાદરીયા અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી.જે પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા બાદ બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી.