અમરેલી જિલ્લામાં આર્થિક રીતે નબળા પરિવારોના બે બાળકોને ગંભીર બીમારી થતાં તેમની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક-એક લાખ રૂપિયા મંજૂર થયા છે. આ બંને બાળકોની બીમારી અંગે લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઇ તળાવીયાને જાણ થતાં તેમણે સરકારમાંથી આ સહાય મેળવવા માટે રજૂઆત કરી હતી.
દામનગર નજીક આવેલા ધ્રુફણીયા ગામના નિલેશભાઈ દયાળભાઇ વસાણીને કેન્સર હોવાથી તેમની સારવાર નવસારીની યેશા હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઉપરાંત બાબરા તાલુકાના લાલકા ગામના ગોપાલ ચંદ્રેશભાઇ રોજાસરાની જીબીએસ બીમારીની સારવાર રાજકોટની સાનિધ્ય ચાઇલ્ડ કેરમાં ચાલી રહી છે. બંને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આર્થિક સહાય અપાવવામાં ધારાસભ્ય જનકભાઇએ જહેમત ઉઠાવી હોવાથી લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે.