દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતી પોસ્ટ કરી છે. જેમાં તેમણે કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને દિલ્હીમાં ઉભરાતી ગટર, પીવાના પાણીની અછત અને અન્ય બાબતો માટે જવાબદાર ગણાવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એક પોસ્ટમાં લખ્યું છે કે, શેરીઓ અને રસ્તાઓ પર એકઠું થયેલું દુર્ગંધવાળું પાણી વરસાદનું નથી, પરંતુ ઉભરાતી ગટરોનું છે. પોતાની સમસ્યાઓ અને હૃદયદ્રાવક વેદનાઓનું વર્ણન કરતી મહિલાઓ દિલ્હીની છે, અન્ય કોઈ રાજ્ય કે દેશની નથી.
તેમણે આગળ લખ્યું કે ગઈ કાલે ફરીથી રાજધાનીમાં લાખો લોકોની લાચારી અને દયનીય જીવન જોવું ખૂબ જ નિરાશાજનક અને પરેશાન કરનારું હતું. આ જ સ્થિતિ અગાઉ બુરારી, કિરારી, કલંદર કોલોની, સંગમ વિહાર, મુંડકા અને ગોકુલપુરી જેવા વિવિધ વિસ્તારોમાં જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓની સતત
વિનંતીઓ પછી ગઈકાલે પ્રાદેશિક સાંસદ સાથે દક્ષિણ દિલ્હીમાં રંગપુરી હિલ્સ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં કાપશેરાની મુલાકાત લીધી. આ વિસ્તારોમાં પણ અન્ય વિસ્તારોની જેમ પાયાની નાગરિક સુવિધાઓ અને સેવાઓનો ભારે અભાવ છે. ગટરની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે સાંકડી શેરીઓ સતત કાંપ અને ગંદા પાણીથી ભરેલી રહે છે. રસ્તાની કોઈ નિશાની નથી. વીજ પુરવઠો અત્યંત અનિશ્ચિત છે. પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે મહિલાઓને ૭-૮ દિવસમાં એક વખત આવતા ટેન્કરમાંથી ડોલમાં પાણી લઈ જવાની ફરજ પડી રહી છે.
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે હું પૂર્વ મુખ્યમંત્રી, વર્તમાન મુખ્યમંત્રી અને દિલ્હી સરકારના સંબંધિત મંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્તારોની મુલાકાત લે અને નરકની સ્થિતિ જાતે જુએ.