ગયા અઠવાડિયે, ભારતીય નૌકાદળની સબમરીન અને એક ફિશિંગ બોટ ગોવાના ઉત્તર-પશ્ચિમના દરિયામાં અથડાઈ હતી. આ અથડામણ બાદ માછીમારીના જહાજમાં સવાર ૧૧ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. તે જ સમયે, ૨ લોકો ગુમ થયા હતા. ત્યારથી બંનેની શોધખોળ ચાલી રહી હતી. હવે બંનેના મૃતદેહ ગોવાના કિનારે અરબી સમુદ્રમાંથી મળી આવ્યા છે.
ફિશિંગ બોટનું નામ માર્થોમા હતું અને તેમાં ૧૩ લોકોનો ક્રૂ હતો. ગોવાના દરિયાકાંઠે ૭૦ નોટિકલ માઈલ દૂર ભારતીય નૌકાદળની સબમરીન સાથે માર્થોમા ટકરાઈ હતી. અગિયાર લોકોને બચાવવામાં આવ્યા હતા અને બેને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે બંનેના જીવ બચાવી શકાયા ન હતા. નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઓએનજીસીના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે બોટના ભંગાર પાસેના દરિયાના પટમાંથી બંને ક્રૂ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
નૌકાદળના એક અધિકારીએ માહિતી આપી છે કે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડે મળીને એક સપ્તાહ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ પછી બોટનો ભંગાર મળી આવ્યો હતો. ઓએનજીસીની મદદથી બોટના ભંગાર પાસે બે ક્રૂ મેમ્બરના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહોને અધિકારીઓને સોંપવામાં આવી રહ્યા છે.
માછીમારી બોટ માર્થોમાના બે ક્રૂને શોધવા માટે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.એમઆરસીસી (મુંબઈ) સાથે સંકલનમાં કોસ્ટ ગાર્ડ સહિતની વધારાની સંપત્તિ બચાવ માટે મોકલવામાં આવી હતી. નેવીએ કહ્યું હતું કે ઘટનાના કારણની તપાસ કરવામાં આવશે.