છેલ્લાં ચાર દિવસથી અમરેલી જિલ્લો અગનગોળો બન્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહે તેવી શક્યતા હોય આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત, બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોને લુ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે, જે જીવલેણ પણ બની શકે છે. શરીર અને માથાનો દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચાનું ગરમ, લાલાશવાળું અને શુષ્ક થઈ જવું, ઉલ્ટી કે ઉબકા થવા કે આવવા, આંખે અંધારા કે ચક્કર આવવા, શ્વાછોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તો તેવા કિસ્સામાં ખેંચ આવવી કે બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે તે દરેક નાગરિકે જાણવું જરુરી છે. લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. માથા પર ટોપી, આંખે ચશ્મા અને માથા પર તડકો ના લાગે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો. ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું. જરુર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લૂછવાની આદત કેળવવી.
સૂર્ય પ્રકાશ સીધો આવે તેવું હોય તો તેનાથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ.વગેરે પીવાની આદત કેળવવી. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત, બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરુરી છે.
ગરમીમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહિ. સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો તે ખાવા નહિ ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. ચા – કોફી તમાકુ – સિગરેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાનાનો સંપર્ક કરવા અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.