તાજેતરમાં બંધારણનાં ૭૫ વર્ષની ઉજવણી સંસદમાં થઈ. તેમાં વિપક્ષ-પક્ષનાં ભાષણો થયાં. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ કરતાં બે મુદ્દા કહ્યા- જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી લીધો હતો તેમ આજે શાસકો રાષ્ટ્રનો અંગૂઠો કાપી રહ્યા છે. તેમનો બીજો મુદ્દો હતો – (વીર) વિનાયક દામોદર સાવરકરે તેમનાં લેખોમાં લખ્યું છે કે બંધારણમાં ભારતીય કંઈ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકર મનુસ્મૃતિ તરફ વધુ ઝૂકેલા હતા.
તે પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દે સંસદમાં ભાષણ આપ્યું જેની બાર સેકન્ડની ક્લિપ સંદર્ભ વગર પ્રસારિત કરીને કોંગ્રેસે હોહલ્લો મચાવ્યો. બીજા દિવસે રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા અને અન્ય કોંગ્રેસી સાંસદો ભૂરા રંગનાં કપડાં પહેરીને સંસદની બહાર પહોંચ્યાં. ત્યાં સીઆઈએસએફના રક્ષકોએ અડધો રસ્તો ખુલ્લો રાખ્યો હોવા છતાં તેઓ ભાજપના સાંસદોની સામે ધસી ગયા. તેમાં નાગાલેન્ડનાં એક મહિલા આદિવાસી સાંસદ એસ. ફેંગનોન કોન્યાકે તો સંસદમાં ફરિયાદ કરી કે રાહુલ ગાંધીએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું. ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મૂકેશ રાજપૂત તો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
રાહુલ ગાંધી વારંવાર વીર સાવરકરને લક્ષ્ય બનાવે છે, પરંતુ તેમણે પોતાને જેના પક્ષધર ગણાવે છે તે મહાત્મા ગાંધી તરફ પણ જોવું જોઈએ. નવાઈ લાગશે, ગાંધીજી અસ્પૃશ્યતાના વિરોધી હતા, પરંતુ વર્ણવ્યવસ્થાના નહીં. ઈ. સ. ૧૯૨૫માં તેમણે વર્ણવ્યવસ્થા નામનું પુસ્તક ગુજરાતીમાં લખ્યું હતું, તે મુજબ, વર્ણની વ્યાખ્યા તેમણે જન્મના આધારે કરી હતી. પરંતુ તેમણે એમ પણ લખ્યું હતું કે એક વર્ણની વ્યક્તિ બીજા વર્ણની વિદ્યા શીખી શકે છે. શુદ્ર વિદ્યાધ્યયન કરી શકે છે અથવા યુદ્ધકળા શીખી શકે છે, પરંતુ તે વિદ્યાધ્યયનને ધનોપાર્જનનું સાધન નહીં બનાવે. બ્રાહ્મણ યુદ્ધકળા શીખી શકે છે પરંતુ તે તેને ધનોપાર્જનનું સાધન નહીં બનાવે. તેઓ પેઢીગત ચાલ્યા આવતા વ્યવસાયને જ અપનાવશે. શું આ વાત માટે રાહુલ ગાંધી પર માછલાં ધોઈ શકાશે? રાહુલ ગાંધી આ બાબતે શું કહેશે?
કહેવાનો અર્થ એ છે કે નેતાઓએ જે-તે સમયમાં દૃઢ વિચાર અને કેટલીક વાર જે-તે સમયે સમાજમાં વિચાર દૃઢ હોવાથી પોતે અંગત રીતે ન માનતા હોય તો પણ તેને સમર્થન આપ્યું હોઈ શકે. દા.ત. આજે સમાજવાદી પક્ષ કે રાષ્ટ્રીય જનતા દળ જેવા એકાદ-બે પુરુષવાદી પક્ષોને બાદ કરીએ તો કયા પક્ષમાં સાહસ છે કે તેઓ મહિલાઓ ખોટી હોય (દા.ત. અતુલ સુભાષ કેસ) તો પણ તેના વિરુદ્ધ બોલી શકશે? અતુલ સુભાષ જેવા કેસો ઘણા બની રહ્યા છે. અને આત્મહત્યા ન કરનારા પુરુષો પીડિત નથી હોતા તેવું પણ નથી. તો ભવિષ્યમાં અત્યારના નેતાઓને કોઈ એમ કહીને ટાંકે કે તેઓ તો સ્ત્રીવાદી હતા તો?
ડો. આંબેડકરે ઈ. સ. ૧૯૨૭માં મનુસ્મૃતિ પુસ્તક બાળ્યું હતું. તેની વાત ગાઈવગાડીને કહેવામાં આવે છે પરંતુ એ જ સમયે ગાંધીજીએ તેનો વિરોધ કર્યો હતો તે વાત કોઈ કહેતું નથી. રાહુલ ગાંધી કે તેમના પક્ષના લોકો પણ નહીં. ગાંધીજીએ તે સમયે કહ્યું હતું કે જાતિગત ભેદભાવ આધ્યાત્મિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે. તેનો હિન્દુ ધર્મ અને મનુસ્મૃતિ જેવા ગ્રંથો સાથે કોઈ સંબંધ નથી. તેમણે મનુસ્મૃતિ બાબતે ઉદાર મન રાખી કહ્યું હતું કે મનુસ્મૃતિમાં જે સારી બાબતો છે તે અપનાવો ને. જે ખોટી બાબતો છે તેને અસ્વીકારો. તેમણે કહ્યું હતું કે તેમાં સત્ય અને અહિંસાની વાત કહેવામાં આવી છે તેને સ્વીકારો. બાકીની બાબતોને નહીં.
ગાંધીજી છોડો, જેમણે મનુસ્મૃતિને બાળ્યું હતું તેવા ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો પણ સમય જતાં બદલાયા હતા. તેમણે કાયદાઓ ઘડવામાં મનુસ્મૃતિનો જ આધાર લીધો હતો. હિન્દુ સંહિતા વિધેયક (હિન્દુ કાડ બિલ) ઘડતી વખતે ડો. આંબેડકરે મનુસ્મૃતિ અને અન્ય સ્મૃતિ ગ્રંથોમાંથી સંદર્ભો લીધા હતા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૯ના દિને એટલે કે મનુસ્મૃતિને બાળ્યાનાં બાવીસ વર્ષ પછી ડો. આંબેડકરે બંધારણ સભામાં કાયદા માટે મનુસ્મૃતિ અને અન્ય સ્મૃતિ ગ્રંથોને આધારભૂત માન્યા હતા. તેમણે કહ્યું હતું, “૧૩૭ સ્મૃતિઓમાં, યાજ્ઞવલ્ક્ય અને મનુ ઉચ્ચતર ધોરણનાં છે.’ આંબેડકરે મનુસ્મૃતિમાં મહિલાઓને સંપત્તિમાં વારસાના કેવા અધિકાર આપવામાં આવ્યા છે તે બાબતનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મનુસ્મૃતિના ૯મા અધ્યાયમાં ૧૧૭ ક્રમાંકના શ્લોકમાં સ્પષ્ટ લખાયેલું છે કે દીકરીઓને એક ચતુર્થાંશ હિસ્સો વારસામાં મળવો જોઈએ.
હિન્દુ સંહિતાનો તે સમયે હિન્દુઓએ ભારે વિરોધ કર્યો હતો. કદાચ, આથી જ બાબાસાહેબે કહ્યું હતું કે હિન્દુ સંહિતામાં તેઓ જે બાબત સમાવી રહ્યા છે તે કંઈ નવી નથી. આ તો હિન્દુઓના ધર્મગ્રંથોમાં અપાયેલી છે.
માત્ર આ એક જ વાર ડો. આંબેડકરે મનુસ્મૃતિ બાબતે સકારાત્મક રીતે ઉલ્લેખ નથી કર્યો, તેમણે ૧૧ જાન્યુઆરી ૧૯૫૦એ સિદ્ધાર્થ કાલેજમાં તેમના પ્રવચનમાં પણ
આભાર – નિહારીકા રવિયા કહ્યું હતું, “મેં મનુસ્મૃતિનો ઉપયોગ જ્ઞાતિ નિર્ધારણ માટે, પરાશર સ્મૃતિનો ઉપયોગ છૂટાછેડા માટે, મહિલાઓના અધિકારો માટે બૃહસ્પતિ સ્મૃતિ અને વારસાઈ અધિકારો માટે મનુસ્મૃતિનો ઉપયોગ કર્યો છે.”
અર્થાત્, ‘આ દેશ સંવિધાન અનુસાર ચાલશે’ તેમ છાશવારે કહેતા રાહુલ ગાંધીઓ, અખિલેશ યાદવો અને ઓવૈસી જેવાઓએ ઉપરનું વાક્ય સત્તરસો ને સાત વાર વાંચીને કંઠસ્થ કરવા જેવું છે કે આ દેશના સંવિધાનનો આધાર હિન્દુ ધર્મગ્રંથો જ છે. અને એટલે હિન્દુ ધર્મગ્રંથો જ આ દેશનું સંવિધાન છે.
કહેવાતા હિન્દુઓ (યથાર્થમાં તો સેક્યુલરો) છાશવારે હિન્દુ ધર્મગ્રંથોનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે અને આ માટે ડો. બાબાસાહેબને ટાંકે છે, ત્યારે નવાઈ લાગશે કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયામૂર્તિ એસ. અબ્દુલ નઝીરે આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના દિને પ્રાચીન ભારતીય ન્યાય પ્રણાલિની તરફેણ કરી હતી. તેમણે અખિલ ભારતીય અધિવક્તા પરિષદના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કાયદાના વિદ્યાર્થીઓને ઔપનિવેશિક (સામ્રાજ્યવાદી) માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ. એટલે કે અંગ્રેજો અને મોગલોની દાસતામાંથી બહાર નીકળવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે મનુ, ચાણક્ય, બૃહસ્પતિ વગેરેએ વિકસાવેલી ન્યાય પ્રણાલિ વિશે ભણાવવું જોઈએ.
આ વાત સાચી છે. ન્યાયાલયમાં આઈએએસ અધિકારી શર્ટ-પેન્ટ વગેરે રીતે વ્યવસ્થિત કપડાં પહેરીને આવે તો પણ ન્યાયાધીશ તેને યોગ્ય કપડાં ન પહેરવા માટે ખખડાવી નાખે છે પરંતુ પાછો સ્ત્રીઓને શું પહેરવું અને શું ન પહેરવું તેની સ્વતંત્રતા હોવાનો ચુકાદો પણ આપે છે. એક તરફ, ઇડીના હાથ બાંધી નાખે છે કે તેના અધિકારીઓ આરોપીના લેપટોપ અને મોબાઇલમાંથી ડેટા કાપી ન કરી શકે. તો બીજી બાજુ, યાકૂબ મેમણ જેવા ત્રાસવાદીઓની ફાંસીની સજાની પાછલી મોડી રાત્રે તેની ફાંસી અટકાવવા માટે થતી યાચિકા સાંભળવા માટે બેસે છે. આ જ ન્યાયતંત્રની ખામીઓ અને બંધારણના મહિલા તરફી કાયદાઓના કારણે બેંગ્લુરુથી જૌનપુર ધક્કા ખાઈ-ખાઈને, તારીખ પર તારીખથી અને મહિલા ન્યાયાધીશ દ્વારા કથિત લાંચ માગવાના કારણે અતુલ સુભાષ જેવા તેજસ્વી અને ઊંચા પદ પર કામ કરતા સાફ્ટવેર એન્જિનિયર આત્મહત્યા કરી લે છે.
બંધારણનાં ૭૫ વર્ષ નિમિત્તે ભાજપના સાંસદો પણ સિફતપૂર્વક બે બાબતો ટાળી ગયા. એક તો બંધારણમાં બધા જ વર્ગના લોકોને પંથ (રિલિજિયન), જ્ઞાતિ, વંશ અને લિંગ વગરના ભેદભાવ વગર નોકરી અને ન્યાયનો અધિકાર અપાયો છે, પરંતુ આ જ બંધારણમાં મુસ્લિમોને તેમના શરિયત અનુસાર કાયદા (મુસ્લિમ પર્સનલ લા) મુજબ છૂટ હોવાથી તેઓ ચાર પત્ની કાયદેસર રાખી શકે છે. સ્ત્રીઓને સંપત્તિમાં અધિકારની છૂટ નથી હોતી.
એક હિન્દુ સ્ત્રી રંજન ત્રિપાઠી, જે પતિના અવસાન પછી મુસ્લિમ પુરુષને પરણી મુસ્લિમ- રેહાના મલિક બની જાય છે, તેના અવસાન પછી તેની સંપત્તિમાં તેની પહેલા પતિથી થયેલી ત્રણ હિન્દુ દીકરીઓને અધિકાર નથી તેમ અમદાવાદ ન્યાયાલય કહી દે છે કારણકે તે મુસ્લિમ બની ગઈ હતી. જો તે હિન્દુ હોત તો દીકરીઓને અધિકાર મળત. આ ચુકાદો આપતી વખતે ન્યાયાલય નયના ફિરોઝખાન પઠાણ ઉપાખ્યે નસીમ ફિરોઝખાન પઠાણના કેસનો સંદર્ભ આપીને કહે છે, “બધા જ મોહમ્મદીયનો (મુસ્લિમો)નો ન્યાય મોહમ્મદીયન કાયદા મુજબ તોળાય છે. જો કોઈ વ્યક્તિ પંથાંતરણ કરીને મુસ્લિમ બની ગઈ હોય તો પણ તેનો ન્યાય મુસ્લિમ કાયદા મુજબ જ તોળાશે.’
આ જ રીતે એક પરિણીત મુસ્લિમ યુવતીએ હિન્દુ જીવનસાથી સાથે લિવ ઇન રહેતી હોવા બાબતે સુરક્ષા માગી તો પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે “કાયદાકીય રીતે પરણેલી મુસ્લિમ પત્ની લગ્ન બહાર સંબંધો ન રાખી શકે અને અન્ય પુરુષ સાથે લિવ ઇન એ વ્યભિચાર ગણાશે અને શરિયા કાયદા મુજબ તે અલ્લાહ દ્વારા પ્રતિબંધિત છે.” આમ કહી તેની અરજી ફગાવી દીધી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે વિવાહ પહેલાં ઇસ્લામમાં કોઈ પણ પ્રકારનો યૌન, વાસનાપૂર્ણ, સ્નેહપૂર્ણ કૃત્ય જેમ કે ચુંબન, સ્પર્શ, ઘૂરવું વગેરે વર્જિત છે. તેને ઇસ્લામમાં હરામ ગણાવાયું છે. કુરાનના અધ્યાય ૨૪ મુજબ વ્યભિચાર માટે અવિવાહિત પુરુષ અને મહિલા માટે ૧૦૦ કોરડા ફટકારવાનો દંડ છે. વિવાહિત પુરુષ અને મહિલા માટે પથ્થર મારી-મારી હત્યાનો દંડ છે. પરંતુ જો હિન્દુ યુવતી લિવ ઇનમાં રહે તો કાયદેસર છે. હવે તો હિન્દુ મહિલાઓના વ્યભિચારને જ ન્યાયાલયે અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢી નાખ્યો છે, પણ મુસ્લિમ મહિલા કરે તો તે અપરાધ !
જો આમ હોય તો કેમ એ યાચિકા કરનાર મુસ્લિમ યુવતીને દંડ ન કરાયો? આ દેશમાં પશ્ચિમ બંગાળમાં ઉત્તર દીનાજપુરના ચોપરામાં જાહેરમાં એક મુસ્લિમ યુવતી અને પુરુષને ‘જેસીબી’ ઉપનામ ધરાવતા તેઝમુલ ઇસ્લામે માર માર્યો હતો. તેઝમુલ ત્યાંના ધારાસભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના નેતા હમીદ ઉર રહેમાનનો સમર્થક હતો. હમીદ ઉલ રહેમાને તેના સાગરિતનું સમર્થન કરતા કહ્યું કે મહિલાની પ્રવૃત્તિ અસામાજિક હતી અને તે ‘દુષ્ટ જાનવર’ હતી. તુલસીદાસજીએ અલગ સંદર્ભમાં, અકબર જેવા જિહાદીઓના કાળમાં ‘રામચરિતમાનસ’માં ‘ઢોલ ગંવાર શુદ્ર પશુ ઔર નારી સબ તાડન કે અધિકારી’ લખ્યું તેનો જેટલો વિવાદ અને વિરોધ થાય છે તેટલો હમીદ ઉલ રહેમાનનો ન થયો.
જ્યારે ઘરેલુ હિંસા વિરુદ્ધ કાયદો યુપીએ-૧ સરકાર ઈ. સ. ૨૦૦૫માં લાવી ત્યારે કરણ થાપરે મહિલા અને બાળ વિકાસ પ્રધાન રેણુકા ચૌધરી (હા, એ જ સંસદમાં તાડકા જેવું અટ્ટહાસ્ય કરનારાં)નો તીખો ઇન્ટરવ્યૂ લીધો હતો અને તેમાં તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે માનો કે પતિ ઘરનું ટીવી વેચી દે તો પણ પત્ની તેની સામે ઘરેલુ હિંસાનો કેસ કરી શકે. પૂર્વ પ્રેમિકા કે પત્ની પણ કરી શકે તો એ ઇન્ટરવ્યૂમાં પણ રેણુકા તાડકા જેવા એ જ અંદાજમાં કહે છે કે પુરુષો ભલે સહન કરે.
પરંતુ આજે ૨૦૨૪માં પણ હજુ પુરુષોને અન્યાય જ છે. અંગ્રેજોનો કાયદો- સીઆરપીસી હટાવી દેવાયો અને મોદી સરકાર ગર્વ સાથે ભારતીય ન્યાય સંહિતા લાવી પરંતુ તેમાંય પુરુષો માટે ન્યાય માગવાની જોગવાઈ નથી. શું મુસ્લિમ તુષ્ટિકરણની જેમ મત બૅંક માટે મહિલા મત બૅંકનું આ તુષ્ટિકરણ નથી? પરંતુ આના માટે કોઈ પક્ષ અવાજ ઉઠાવશે નહીં.