બીજી ઓક્ટોબરના રોજ દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ છે. પોરબંદર થી પરદેશ સુધી સફર ખેડનારા યુગ પુરુષ, મોહનમાંથી મહાત્મા બનેલ તેમને દાયકાઓ પછી પણ પેઢીઓ યાદ કરશે એવી ચોક્કસ ખાતરી છે.
આઝાદીના આંદોલનમાં રચનાત્મક પ્રવૃત્તિ થકી આર્થિક ઉપાર્જન માટે લોકોમાં નઈ તાલીમનો અભિગમ કેળવવા વિવિધ પ્રવૃત્તિ થકી લોકોમાં જનજાગૃતિ સ્થાપિત કરવાનું કાર્ય ગાંધીબાપુએ કરી બતાવ્યું છે. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ…
રંગભેદની નીતિથી રચનાત્મક પ્રવૃત્તિ સુધી તેમની સફળ યાત્રા આજના યુગ માટે અતિ આવશ્યક છે. સ્વદેશી અપનાવો દેશ બચાવો. અંગ્રેજો વેપારી પ્રજા હતી તેમણે આપણા દેશના આર્થિક શોષણ દ્વારા ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું.
હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ કારણ અંગ્રેજોની શોષણ ભરી આર્થિક નીતિ જવાબદાર છે આવું સ્પષ્ટ ગાંધીજી માનતા હતા. ગાંધીજીની અહિંસાની નીતિનો અંગ્રેજોએ ભરપૂર લાભ ઉઠાવ્યો. જેના કારણે આપણા ક્રાંતિકારીઓ શહીદ થયા. અહિંસા અમોધ શસ્ત્ર છે પરંતુ જરૂરિયાત હોય ત્યારે “પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ” એ આપણા ક્રાંતિકારીઓ માટે રામબાણ ઈલાજ હતો. ગાંધીજીના નામે ગાંધીનગર છે. શું કાવાદાવા થાય છે તે જનતા જાણે છે? ગાંધીગીરીની જગ્યાએ ગુંડાગીરી થઈ રહી છે. લોકશાહીમાં લોકો સર્વોપરી હોવા જોઈએ તેની જગ્યાએ પક્ષાપક્ષી ચાલી રહી છે. પ્રજાને સ્વતંત્રતાનો શ્વાસ મળી શકે તે માટે અનેક લોકોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે દેશને આઝાદી મળી છે. આજે બે પ્રકારના ગાંધીની જરૂર છે. એક લક્ષ્મી ગાંધી અને બીજા અહિંસાના ગાંધી. ગાંધીજી પોતડી પહેરતા હતા તેમાં ખિસ્સું નહોતું. આજે દરેકને ખિસ્સામાં ગાંધી છાપ મેળવવાની હોડ ચાલી રહી છે.
ગાંધીજીના રચનાત્મક કાર્ય આજની યુવા પેઢી માટે ખૂબ જરૂરી છે. આજના યુવાનોને મહાત્મા ગાંધી કોણ છે તેનો ખ્યાલ નથી. તે મોબાઇલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નબીરાઓને રોલ મોડલ માને છે. ગાંધીજીની પ્રતિમા વિશ્વના મોટા ભાગના બધા દેશમાં છે. ગાંધીજીની ફિલસૂફી દાર્શનિક અને રચનાત્મક રહી છે. ગાંધીજી સર્વધર્મ સમભાવનો આદર્શ ચરિતાર્થ કરનાર મહાપુરુષ હતા.
સ્વદેશી, સ્વચ્છતા, રોજગારી, સ્ત્રી ઉત્થાન, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવા કામો આજે પણ આપણી વચ્ચે પ્રસ્તુત છે અને તેમને નાથવા ગાંધીજીએ દર્શાવેલ રચનાત્મક કાર્યો થકી આ બદીઓને સમાજ અને આપણે આંતર-બાહ્ય બંને રીતે દુર કરી શક્યા નથી. સામાજિક અસમાનતા આસમાને છે. જાતિ જ્ઞાતિના વાડા મોટા પ્રમાણે નિર્માણ થઈ ગયા છે ત્યારે સમભાવ કેળવણી સ્થાપિત કરવાની તાતી જરૂરીયાત છે.
ગાંધીજીએ અઢાર કાર્યક્રમોમાં કોમી એકતા, દારૂબંધી, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામઉદ્યોગ, ગ્રામ સફાઈ, નવી તાલીમ, પ્રૌઢ શિક્ષણ, સ્ત્રી ઉન્નતિ, તંદુરસ્તીનાં નિયમોની જાળવણી, પ્રાંતીય ભાષાનો વિકાસ, રાષ્ટ્રીય ભાષાનો વિકાસ, આર્થિક સમાનતા, કિસાન સંગઠન, આદિવાસીઓના ઉત્કર્ષ કાર્ય, રક્તપિતના રોગીઓની સેવા, વિદ્યાર્થી સંગઠનનો સમાવેશ થતો હતો. આ કાયક્રમો એક શૈક્ષણિક પ્રક્રિયા હતી. જેમાં સેવક અને સેવ્ય વચ્ચે આંતર-બાહ્ય એકતા સંધાય અને વર્ગના ઉત્કર્ષ માટે કાર્ય થાય તે લક્ષ્ય હતું.
જે.બી. કૃપાલાણીએ કહ્યું જ છે કે જો ગાંધીનાં જીવન અને કાર્યોને સમજવા હોય તો તેમના આધ્યાત્મ વિશેના વિચારો અને આદર્શોને સમજવા જરૂરી છે, જેને આધારે તેમણે સમાજને ભોગવવા પડતા અન્યાય અને જુલ્મ સામે ચળવળો ઉપાડી અને સમાજને અજ્ઞાન અને પ્રમાદમાંથી જગાડવા રચનાત્મક કાર્યો આદર્યાં. ગાંધીજીની આધ્યાત્મિક યાત્રામાં રાજકારણ તો એક માત્ર એવું રોડું હતું જે વ્યક્તિને અને આમ પ્રજાને આ મંઝિલ સુધી પહોંચતાં રોકતું હતું. જો દક્ષિણ આફ્રિકામાં ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં ન આવ્યા હોત તો તેઓ એક સામાન્ય બેરિસ્ટરની માફક પોતાના કુટુંબ માટે તગડી આવક મેળવીને સુખેથી જીવતા હોત. અન્યાયી સરકાર પાસેથી ન્યાય મેળવવા તેમને રાજકારણને સ્પર્શ કરવો પડ્‌યો. ભારત આવ્યા બાદ માનવ અધિકાર મેળવવા અને સામાજિક સુધારા લાવવા રાજકીય ગુલામીમાંથી મુક્તિ અનિવાર્ય બની ગઈ; પરંતુ સમાજના ઉત્થાન માટે રચનાત્મક કાર્યો એ એમની પ્રથમ ચાહતનું ક્ષેત્ર હતું. ‘બાપુ’ કહીને આપણે તેમનો ચરણસ્પર્શ કરતા રહ્યા, મહાત્મા માનીને જયકાર બોલાવતા રહ્યા, પણ તેમના રચનાત્મક અને આધ્યાત્મિક મૂલ્યોને ન તો સમજ્યા, ન અનુસર્યા અને છેવટે એના કટુ ફળ મેળવતા રહ્યા. ભારતની જનતાને રાજકીય ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ફરિશ્તાની ભાળ મળી, એની દોરવણીથી આઝાદી મળી ગઈ. વાત ખતમ. હજુ આજે પણ ફૂલોના ઢગલા નીચે સૂતેલો ગાંધીનો આત્મા આપણે એમને ક્યારે સાચા પરિપેક્ષ્યમાં ઓળખીશું, એની રાહ જુએ છે.
ગાંધીજી ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમના કાર્ય એ જ દેશની ઓળખ છે. ગાંધી જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ગમે તેટલા ફૂલહાર પહેરાવો કે ખાદીની આંટી પહેરાવો તેનો કોઈ મતલબ ખરો? જ્યાં સુધી ભારતના તમામ લોકો વચ્ચેનો મતભેદ અને જાતિ જ્ઞાતિના દૂષણો દૂર નહીં થાય ત્યાં સુધી સામાજિક સમરસતા આવશે નહીં. ગાંધીજીના વિચારો યુવા પેઢીમાં સ્થાપિત કરવાની જરૂર છે. વિદ્યાપીઠ તેમના આદર્શોનું નિર્માણ છે. તેમાં પણ રાજકીય ગંદકી ન પ્રસરે તે અનિવાર્ય છે. બુનિયાદી શિક્ષણ થકી કૌશલ્ય નિર્માણ પેઢીઓમાં કરવું પડશે, તો જ પોતાની રીતે રોજગારી મેળવી શકશે. ગાંધીજી ખૂબ લાંબુ વિચારતા હતા. તેમની વણિક બુદ્ધિને દુનિયાએ સલામ મારી છે. ગાંધીજીના રચનાત્મક કાર્યો એ દેશ માટે અત્યંત જરૂરી છે. ગાંધી જયંતી નિમિત્તે તેમના ચરણમાં વંદના કરું છું. તેમના સ્વચ્છતા વિશેના ખ્યાલો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વ્યાપક બનાવી રહ્યા છે તે પ્રશંસાને પાત્ર છે. જય હિન્દ… વંદે માતરમ
Mo.૯૮૨૫૭૦૨૨૮૨